- ટાટા ટેક્નોલોજીસને સેબી તરફથી IPO લાવવા માટે લીલી ઝંડી
- ટાટા ગ્રુપનો છેલ્લો IPO લગભગ 19 વર્ષ પહેલા આવ્યો હતો
- ઇક્વિટી શેરના 0.50% સુધી કર્મચારીઓ માટે અનામત રાખી શકે
ટાટા ગ્રૂપ 19 વર્ષ પછી વધુ એક કંપની ટાટા ટેક આઈપીઓ લાવી રહી છે. ટાટા ટેકનો આઇપીઓને લઇને બજારમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જો કે તેનો પબ્લિક ઇશ્યૂ ક્યારે ખુલશે અને તેની પ્રાઇસ બેન્ડ શું હશે તે વિશે હજી સુધી કોઇ સત્તાવાર ઘોષણા કંપની તરફથી કરવામાં આવી નથી. જો કે એક વાત નક્કી છે કે ટાટા ટેકનો આઇપીઓ રોકાણકારો માટે કમાણી કરવાની તક લઇને આવશે. નોંધનિય છે કે, છેલ્લે વર્ષ 2004માં ટાટા ગ્રૂપની આઇટી ટીસીએસનું શેરબજારમાં લિસ્ટિંગ થયુ હતુ.
શેર ભાવમાં પ્રીમિયમ 16 રૂપિયા ઘટ્યું
ટાટા ટેકના આઇપીઓ અંગે બજારમાં ઘણા દિવસથી અટકળો ચાલી રહી છે. ટાટા ટેકનોના અનલિસ્ટેડ શેરની કિંમતમાં પણ એકંદરે તેજીનો માહોલ છે. ગ્રે માર્કેટમાં ટાટા ટેક કંપનીના શેરના ભાવમાં હાલ 84 રૂપિયાનું પ્રીમિયમ (ગ્રે માર્કેટ પ્રીમિયમ) બોલાઇ રહ્યુ છે, જ્યારે થોડા દિવસો પહેલા 100 રૂપિયા પ્રીમિયમ બોલાતુ હતુ. આમ ગ્રે માર્કેટમાં ટાટા ટેકના શેર ભાવમાં પ્રીમિયમ 16 રૂપિયા ઘટ્યું છે. જો કે માર્કેટ એક્સપર્ટ્સના મતે રોકાણનો નિર્ણય ગ્રે માર્કેટના આધારે નહીં, પરંતુ કંપનીના ફંડામેન્ટલ્સ અને નાણાકીય બાબતોના આધારે લેવા જોઈએ.
ટાટા ટેકનો આઇપીઓ ક્યારે ખુલશે
ટાટા ટેકને આઇપીઓ લાવવા માટે ભારતીય શેર બજાર નિયામક સેબી તરફથી 27 જૂને મંજૂરી મળી ગઇ છે. સામાન્ય રીતે કંપનીઓ પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં અને IPO સંબંધિત અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં 30 થી 45 દિવસનો સમય લે છે. આ ધોરણે ચાલુ મહિનાના અંત સુધીમાં ટાટા ટેકના IPOને લઈ મોટી ઘોષણા થઇ શકે છે. જો કે, અહીં નોંધનીય બાબત એ છે કે કંપનીઓ સેબી તરફથી ઓબઝર્વેશન લેટર ઇશ્યૂ થયાની તારીખથી એક વર્ષની અંદર IPO લાવી શકે છે.
શેરની ઇશ્યૂ પ્રાઇસ કેટલી હશે?
સેબીના નિયમ અનુસાર આઇપીઓ લાવનાર કંપની એ પબ્લિક ઇશ્યૂ ખુલવાના ઓછામાં ઓછા પાંચ વર્કિંગ દિવસ પહેલા શેરની ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ જાહેર કરવી પડે છે. પ્રાઇસ બેન્ડ કેટલી હશે તેને લઇને માર્કેટ એક્સપર્ટ્સનો અનુમાન છે કે, ટાટા ટેકના આઇપીઓની પ્રાઇસ બેન્ડ 280 થી 285 રૂપિયાની રેન્જમાં હોઇ શકે છે.
આઇપીઓમાં કોણ કેટલા શેર વચેશે?
ટાટા ટેકનો આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હશે, એટલે કે કોઈ નવા શેર જારી કરવામાં આવશે નહીં. કંપની આ પબ્લિક ઇશ્યૂ મારફતે 9.57 કરોડ ઇક્વિટી શેર વેચી શકે છે, જેમાંથી 8.11 કરોડ શેર ટાટા મોટર્સ દ્વારા વેચવામાં આવે તેવી શક્યતા છે. ઉપરાંત આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ પોતાના 97.2 લાખ શેર વેચી શકે છે અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ- 1 પોતાના હોલ્ડિંગમાંથી 48.6 લાખ શેર વેચી શકે છે.
ટાટા ટેકની શેરહોલ્ડિંગ પેટર્ન
આઇપીઓ લાવવાની તૈયારી કરી રહેલી ટાટા ટેક કંપનીમાં ટાટા મોટર્સ 74.69 ટકા, આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 7.26 ટકા અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 1 3.63 ટકા હિસ્સો ધરાવે છે. ટાટા મોટર્સને ટાટા ટેકના શેર સરેરાશ 7.40 રૂપિયાના ભાવે, આલ્ફા ટીસી હોલ્ડિંગ્સને 25.10 રૂપિયા અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડને 25.10 રૂપિયાના સરેરાશ ભાવે મળ્યા હતા.
ટાટા ટેકનોલોજીસ કંપની શું બિઝનેસ કરે છે?
ટાટા ટેક્નોલોજીસ એ ટાટા ગ્રૂપની 33 વર્ષ જૂની કંપની છે. આ કંપનીની સ્થાનપા વર્ષ 1989માં થઇ હતી અને તેનું હેડક્વાર્ટર પુનામાં આવેલું છે. ટાટા ટેકનોલોજીસ કંપની પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સર્વિસનો બિઝનેસ કરે છે. આ કંપની ઓટોમોટિવ, ઈન્ડસ્ટ્રીયલ હેવી મશીનરી અને એરોસ્પેસ સેક્ટરમાં સર્વિસ પૂરી પાડે છે. કંપની બિઝનેસ માટે ટાટા ગ્રૂપની અન્ય કંપનીઓ ટાટા મોટર્સ અને જગુઆર લેન્ડ રોવર પર પણ નિર્ભર છે. કંપનીમાં 11 હજાર જેટલા કર્મચારીઓ કામગીરી કરે છે.