દેશમાં સસ્તા ભાવે વેચાતા ચીની બનાવટના કેટલાક નાના ગ્રાહક ઉપયોગી સાધનો અને ઇલેક્ટ્રિલક લાઇફસ્ટાઇલ ઉપકરણોમં ગંભીર ક્ષતિઓ હોવાના અનેક કિસ્સાઓ ધ્યાન પર આવ્યા તે પછી સરકાર મોડે મોડે જાગી છે અને ચીનથી આયાત કરીને ભારતીય બજારમાં વેચવામાં આવતા આવા સાધનો માટે ગુણવત્તાને લગતા નિયમો હવે આકરા બનાવવામાં આવ્યા છે.

નવા નિયમો મુજબ ઇલેક્ટ્રિલ રિક્લિનર્સ અને ફર્નિચર, વર્હપુલ બાથ એન્ડ સ્પા, ઇલેક્ટ્રિકલ ટોઇલટ પ્રોડક્ટ્સ, વીજળીથી ચાલતા ક્લોથ ડ્રાયર્સ અને ટોવેલ રેઇલ્સ, વીજળી અથવા તો બેટરીથી ચાલતી ઇલેક્ટ્રિક બ્યુટી પ્રોડક્ટ્સ પર હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ) માર્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. આવો માર્કો આ ઉપકરણો સલામતીને લગતા ઉચ્ચ કક્ષાના ધારાધોરણોને અનુસરે છે એ સુનિશ્ચીત કરે છે. કહેવાય છે કે આવા આકરા નિયમો અમલી બનાવવા પાછળનો સરકારનો હેતુ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો પણ છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હસ્તક કામ કરતાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) દ્રારા આવા આકરા નિયમોને અમલી બનાવતું જાહેરનામું 19મી મેના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જોકે આ નવા નિયમોનો અમલ 19 માર્ચ, 2026થી શરૂ થશે.

ચીનના ક્યા હલકી કક્ષાના ઉપકરણોનું બજારમાં ધૂમ વેચાણ થાય છે

શેવર્સ , હેર ક્લિપર્સ , ઇલેક્ટ્રિકલ ફ્રાયિંગ પાન્સ અને સ્ટિમ કુકર્સ , ઇન્સેક્ટ કિલર્સ , કોફિ મેકર્સ , કેન ઓપનર્સ , સાઇટ્રસ સ્કિવઝર્સ , એગ બિટર્સ , બાર્બિક્યુઝ અને બેટરી ઓપરેટેડ મસાજર્સ , ફુટ વાર્મર્સ , હિટિંગ પેડ્સ , ટુથ બ્રશ

એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા રિટેલર્સ આગામી માર્ચ સુધી હલકી કક્ષાના ઉપકરણો વેચી શકશે

ઉદ્યોગજગતના સૂત્રોના જણાવ્યા અનુસાર બીઆઇએસ દ્રારા તાજેતરમાં કેટલાક અગ્રણી રિટેલર્સ જેવા કે એમેઝોન અને ફ્લિપકાર્ટના વેરહાઉસિસ પર અનેક દરોડા પાડવામાં આવ્યા હતા, જે દરમિયાન કેટલાક હલકી કક્ષાના ઇલેક્ટ્રિકલ ઉપકરણો મળી આવ્યા હતા. જેને પગલે સરકારે આ નિયમો કડક બનાવ્યા છે. જોકે આવા હલકી કક્ષાના ઉપકરણો વેચવા બદલ આ રિટેલર્સ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી અને નિયમો આગામી વર્ષે માર્ચમાં અમલી બનવાના હોવાથી રિટેલર્સને ત્યાં સુધી આવા ઉપકરણો વેચવાનો પરવાનો મળી જાય છે.