નાણાં મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ગ્રાહકોના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની તમામ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો આ રવિવારે, 27 સપ્ટેમ્બરના રોજ સામાન્ય દિવસોની જેમ જ ખુલ્લી રહેશે. RBI દ્વારા પણ આ દિવસે તમામ બેંક શાખાઓ, કાર્યાલયો, ATM-લિંક્ડ બ્રાન્ચ અને કરન્સી ચેસ્ટને સંપૂર્ણ રીતે કાર્યરત રાખવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે.
3 દિવસની બેંક હડતાળને કારણે લેવાયો નિર્ણય
બેંક યુનિયનોના સંગઠન યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 28 થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. હડતાળ પહેલાના સપ્તાહના અંતિમ દિવસોમાં (વીકએન્ડ) રજાઓને કારણે ગ્રાહકોની બેંકિંગ જરૂરિયાતો પર કોઈ માઠી અસર ન પડે અને તેમને પડનારી મુશ્કેલીઓ નિવારી શકાય, તે હેતુથી સરકારે રવિવારે રજાના દિવસે પણ બેંકોમાં કામકાજ ચાલુ રાખવાનો આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
બેંક કર્મચારીઓની માંગ અને હડતાળનું શિડ્યુલ
બેંક યુનિયનો દ્વારા '5 દિવસીય બેંકિંગ સપ્તાહ' લાગુ કરવા સહિતની અન્ય પડતર માંગણીઓને લઈને ત્રણ તબક્કામાં હડતાળની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ 11 સપ્ટેમ્બરે બેંક કર્મચારીઓએ એક દિવસીય પ્રતીક હડતાળ કરી હતી. હવે 28-30 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસની હડતાળ યોજાશે અને જો માંગણીઓ નહીં સંતોષાય તો 26 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે. જોકે, સરકારે બેંકિંગ સેવાઓ ખોરવાય નહીં તે માટે યુનિયનોને હડતાળ ટાળવા માટે અપીલ કરી છે.
