અગાઉ મોબાઈલ રિચાર્જમાં કરેલા ધરખમ વધારાની અસર જુલાઈ મહિનામાં જોવા મળી હતી. માર્કેટમાં બીજી કંપનીઓના ગ્રાહકોની સંખ્યા સદંતર ઘટી ગઈ ત્યારે આના પરિણામે દેશની ટેલિકોમ કંપનીઓની કુલ સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈ પહેલા ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, રિલાયન્સ જિયોએ મોબાઈલ સેવા રિચાર્જ દરમાં 10-27 ટકાનો વધારો ઝીંક્યો હતો. એરટેલે અને વોડાફોન આઈડિયાએ ગત બે-ત્રણ વર્ષમાં પોતાના શરૂઆતના સ્તરના મોબાઈલ દરો બેગણાથી વધારીને 199 રૂપિયા કરી દીધા છે. આની વેલિડિટી 28 દિવસની છે.
બીએસએનલને ફાયદો, અન્ય કંપનીઓને ભારે નુકસાન
ભારતીય દૂરસંચાર નિયામક ટ્રાઈએ શનિવારે માસિક ગ્રાહક રિપોર્ટ અનુસાર, જાહેર ક્ષેત્રની સરકારી ટેલિકોમ સંસ્થા ભારત સંચાર નિગમ લિમિટેડ એકમાત્ર એવી કંપની હતી જેને ગત મહિને નવા ગ્રાહકો મળ્યા અને નવા ગ્રાહકો ઉમેરાતા બજારની આગેવાની કરી. રિપોર્ટ અનુસાર બીએસએનએલે જુલાઈમાં 29.4 લાખથી વધુ મોબાઈલ ગ્રાહકો જોડયા હતા. બીજી તરફ ભારતી એરટેલે 16.9 લાખ મોબાઈલ ગ્રાહકો ગુમાવી દીધા. જે બીજી કંપનીઓની સરખામણીમાં ખૂબ વધુ છે. વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિયોએ 14.1 લાખ અને 7.58 લાખ મોબાઈલ ગ્રાહકો ગુમાવી દીધા હતા. બધું મળીને દેશમાં ટેલિકોમ ગ્રાહક આધાર જુલાઈમાં સામાન્ય રીતે ઘટીને 120 કરોડ 51.7 લાખ રહી ગયા. આ જૂનમાં 120 કરોડ 56.4 લાખ હતો.
સરકારી ટેલિકોમ કંપની BSNLને જંગી ફાયદો
મોબાઈલ રિચાર્જ દરોમાં વધારાને લીધે ઉત્તર પૂર્વ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મુંબઈ, કોલકાતા, તમિલનાડુ, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ, પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા, આંધ્રપ્રદેશ ટેલિકોમ સર્કલમાં મોબાઈલ સબસ્ક્રાઈબર બેઝમાં ઘટાડો નોંધાયો હતો. જુલાઈમાં વાયરલાઈન અથવા ફિક્સ્ડ લાઈન કનેક્શન સેગમેન્ટમાં ગ્રાહકોની સંખ્યા લગભગ એક ટકા વધીને 3 કરોડ 55.6 લાખ થઈ છે. જૂનમાં તે ત્રણ કરોડ 51.1 લાખ હતો. રિલાયન્સ જિયોએ 4.80 લાખથી વધુ નવા ગ્રાહકો ઉમેરીને ફિક્સ્ડ લાઇન સેગમેન્ટનું નેતૃત્વ કર્યું. ભારતી એરટેલે 1.36 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા છે. VMIPLએ 12,413 ઉમેર્યા, વોડાફોન આઈડિયાએ 11,375 ઉમેર્યા, ટાટા ટેલિસર્વિસિસે 3,971 અને ક્વાડ્રન્ટે 12 નવા ફિક્સ લાઈન ગ્રાહકો ઉમેર્યા. આ સેગમેન્ટમાં સૌથી વધુ નુકસાન BSNLને થયું છે. સરકારી કંપનીએ 1.34 લાખ ફિક્સ લાઇન ગ્રાહકો ગુમાવ્યા અને તેની સિસ્ટર કંપનીએ 56,454 ગ્રાહકો ગુમાવ્યા. જુલાઈમાં દેશમાં બ્રોડબેન્ડ ગ્રાહકોની સંખ્યા વધીને 94 કરોડ 61.9 લાખ થઈ ગઈ છે. જૂનમાં તે 94 કરોડ 7.5 લાખ હતો. દેશમાં કુલ બ્રોડબેન્ડ કનેક્શન્સમાં ટોચની પાંચ કંપનીઓનું યોગદાન 98.42 ટકા છે.