સરકારે આગામી નાણાકીય વર્ષ (2025-26) માટે મોબાઈલ ફોન, આઈટી હાર્ડવેર, સેમિકન્ડક્ટર સ્કીમ અને ઈન્ડિયા એઆઈ મિશન માટે ઉત્પાદન-લિંક્ડ પ્રોત્સાહનો (PLI) સહિત મુખ્ય ટેકનોલોજી પ્રોજેક્ટ્સ માટે ફાળવણી લગભગ 84 ટકા વધારીને રૂપિયા 18,000 કરોડ કરી છે.
ઈન્ડિયા એઆઈ મિશન માટે રૂપિયા 2,000 કરોડની ફાળવણી કરવામાં આવી
બજેટ દસ્તાવેજો અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રના મુખ્ય પ્રોજેક્ટ માટે સુધારેલી ફાળવણી લગભગ રૂપિયા 9,766 કરોડ છે. ઈન્ડિયા એઆઈ મિશન માટે ફાળવણી 11 ગણી વધારીને રૂપિયા 2,000 કરોડ કરવામાં આવી છે. ઈન્ડિયા એઆઈ મિશન દેશના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ઈકોસિસ્ટમના વિકાસનું નેતૃત્વ કરી રહ્યું છે, જેમાં કોમ્પ્યુટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો સમાવેશ થાય છે.
IT સેક્ટરને થશે આ લાભ
ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી (IT) મંત્રાલય માટે કુલ ફાળવણી 2025-26 માટે લગભગ 48 ટકા વધારીને રૂપિયા 26,026.25 કરોડ કરવામાં આવી છે, જે ચાલુ નાણાકીય વર્ષ માટે સુધારેલા ફાળવણી હેઠળ રૂપિયા 17,566.31 કરોડ હતી. મોટાપાયે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે PLI યોજના માટે સૌથી વધુ 8,885 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તે મોબાઈલ ફોનના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓમાં એપલ વિક્રેતાઓ ફોક્સકોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, ડિક્સન ટેક્નોલોજીસ, લાવા ઈન્ટરનેશનલ વગેરેનો સમાવેશ થાય છે.
સેમિકન્ડક્ટર ઉત્પાદનનું હબ બનશે ભારત
સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે ફાળવણી ચાલુ નાણાકીય વર્ષ માટે રૂપિયા 1,200 કરોડની સુધારેલી ફાળવણીથી બમણાથી વધુ વધારીને 2025-26 માટે રૂપિયા 2,499.96 કરોડ કરવામાં આવી છે. સરકારને વિવિધ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે કુલ રૂપિયા 1.52 લાખ કરોડના રોકાણની પ્રતિબદ્ધતા પ્રાપ્ત થઈ છે.