ટોબેકો ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, સરકારને દર વર્ષે સિગારેટના ગેરકાયદેસર વેપારથી રૂ.21,000 કરોડનું નુકસાન થાય છે ત્યારે આ ગેરકાનૂની પ્રવૃત્તિ પર નિયંત્રણ મેળવવા સૌ પ્રથમ વખત જીએસીટી કાઉન્સિલ દ્વારા કોઈ પ્રોડક્ટ્ના ટ્રેક એન્ડ ટ્રેસ પર નિર્ણય લેવામાં આવ્યો છે. સિગારેટ પર આચરવામાં આવતી જીએસટીની ચોરીને ડામવા તેના વેપાર પર સોફ્ટવેરથી નજર રાખવામાં આવી શકે છે. એટલે કે, સિગારેટ પ્રથમ એવી પ્રોડક્ટ્ બની શકે છે, જેની પર ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ લાગુ પડશે. જીએસટી કાઉન્સિલે 21મી ડિસેમ્બરના રોજ સિગારેટ પર ટ્રેક એન્ડ ટ્રેસ મેકેનિઝમ લાગુ કરવાનો માર્ગ મોકળો કર્યો હતો. જેનો અર્થ એ થાય છે કે, સિગારેટની સમગ્ર સપ્લાઈ ચેઈન દરમિયાન તેના સ્ટેટસ પર સોફટવેરથી નજર રાખવામાં આવશે. સિગારેટ બાદ પાનમસાલા માટે પણ આ નિર્ણય લાગુ થઈ શકે છે. જો કે આ સમગ્ર ઘટનાક્રમ અંગે અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી છે.
ટ્રેક એન્ડ ટ્રેસની આ સિસ્ટમ યૂનિક આઈડેન્ટિફિકેશન માર્કિંગ પર આધારિત હશે. વસ્તુ કે તેના પેકેટ પર આ ખાસ પ્રકારનું માર્કિંગ કરવામાં આવશે. જે ટ્રેક એન્ડ ટ્રેસ જેવી સિસ્ટમ વિકસાવવા માટે કાયદાકીય ફ્રેમવર્ક ઉપલબ્ધ કરાવશે અને ચોક્કસ વસ્તુની સપ્લાઈ ચેઈન પર નજર રાખવા માટે આવી પદ્ધતિને લાગુ કરવામાં મદદ મળશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તમાકુ ઈન્ડસ્ટ્રીમાં જીએસટી ચોરી થવાની સંભાવના સૌથી વધુ છે. કેમ કે, તેના ટ્રેડિંગમાં અનેક નીતિગત લિકેજ છે.
સેન્ટ્રલ GST એક્ટ ખાતેના કાયદાકીય સુધારાથી સરકારને કોમોડિટિઝ પર આચરવામાં આવતી જીએસટી ચોરીને ડામવા માટે ટ્રેક એન્ડ ટ્રેસ મિકેનિઝમ લાગુ કરવા માટેની સત્તા મળશે ટોબેકો ઈન્ડસ્ટ્રીમાં વધુ પ્રમાણમાં લીકેજ દેખાય છે ગત વર્ષે ગેરકાનૂની રીતે વેપાર કરાતી નવ કરોડ જેટલી સિગારેટને જપ્ત કરવામાં આવી હતી, જેનું મૂલ્ય અંદાજે રૂ.180 કરોડ થાય છે
ટોબેકો ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, સરકારને દર વર્ષે સિગારેટના ગેરકાયદેસર વેપારથી 21,000 કરોડનું નુકસાન થાય છે
GST કાઉન્સિલના નિર્ણયથી હવે સામાન્ય વ્યક્તિને યૂઝડ કાર ખરીદવી સસ્તી પડશે
અમદાવાદ : સામાન્ય પ્રજાને સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વધુ સસ્તું પડી શકે છે. કેમ કે, 21મી ડિસેમ્બરના રોજ GST કાઉન્સિલે યુઝડ કારના વ્યક્તિગત રીતે ઉપયોગ માટેના ખરીદ-વેચાણ પર જીએસટીના 12 ટકાના દરને જાળવી રાખ્યો છે. પણ બિઝનેસ કંપનીઓ દ્વારા ખરીદવામાં આવતી સેકન્ડ હેન્ડ કાર તેમજ સપ્લાયરના માર્જિને રજૂ કરનાર વેલ્યૂ પર GSTના દરને વધારી 18 ટકા કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. એટલે કે, GSTનો દર વધારવામાં આવતાં બિઝનેસિસ માટે હવે યુઝડ કાર મોંઘી બનશે. જેથી તેમના તરફથી સેકન્ડ હેન્ડ કારની ખરીદીમાં ઘટાડો થઈ શકે છે. પરિણામે બજારમાં સેકન્ડ હેન્ડ કાર્સનો પુરવઠો વધવાથી યુઝડ કારની કિંમતો નીચી જઈ શકે છે. જેથી સામાન્ય વ્યક્તિને સેકન્ડ હેન્ડ કાર ખરીદવી વધુ સસ્તી પડી શકે છે, એમ નિષ્ણાતોએ જીએસટી કાઉન્સિલના નિર્ણયની સમીક્ષા કરતાં જણાવ્યું હતું. ઈલેક્ટ્રિકલ વ્હીકલ પર પણ આ જ નિર્ણય લાગુ પડશે, એમ જણાવવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ભારત 32 અબજ ડોલરનું સેકન્ડ હેન્ડ કાર માર્કેટ ધરાવે છે. તાજેતરના આંકડા પર નજર નાંખવામાં આવે તો દેશમાં નવી કારના માર્કેટ કરતાં યુઝડ કારના માર્કેટમાં વધારો થયો છે. વિવિધ વસ્તુઓ પર જીએસટીના દરો નક્કી કરતી સમિતિએ યુઝડ કાર પર વસૂલવામાં આવતાં GSTના દરને 12 ટકાથી વધારી 18 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. પણ આ સાથે સ્પષ્ટતા કરવામાં આવી કે, વ્યક્તિગત રીતે સેકન્ડ હેન્ડ કારની ખરીદ-વેચાણ પર અગાઉના 12 ટકાના દરે જ GST વસૂલવામાં આવશે. બિઝનેસ હેતુથી સેકન્ડ હેન્ડ કારના સોદા વખતે અને કાર સપ્લાયરના માર્જિન મૂલ્ય પર જ 18 ટકા GST લાગુ થશે, જેની પાસેથી કાર ખરીદવામાં આવે તે ડિલરની કારની ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેના તફાવત પર આ દરે જીએસટી લાગશે.