દિલ્હી હાઈકોર્ટ તરફથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ને એક મોટો આંચકો મળ્યો છે. જેણે લાંબા સમયથી ચાલી રહેલા ગેસ વિવાદમાં ભારત સરકારની તરફેણ કરી છે.
ખંડપીઠે સરકારના તે દાવાનું સમર્થન કર્યું હતું કે, આરઆઈએલ અને તેના વિદેશી ભાગીદારોએ છેતરપિંડી આચરી અને 1.729 અબજ ડોલરથી વધુની ગેરકાનૂની કમાણી કરી હતી. કેમ કે, તેમણે એવા ભંડારોમાંથી ગેસ કાઢયો જે માટે તેમને અધિકાર ન હતો.
જસ્ટિશ રેખા પલ્લી અને સૌરભ બેનર્જીની બનેલી બેન્ચે સીંગલ જજના મે 2022ના નિર્ણયને ઉલ્ટાવી નાંખ્યો હતો.
જેમણે પેટ્રોલિયમ મંત્રાલયના આ અંગેના આરોપોને ફગાવી દીધા હતા. વડી અદાલતે એ પણ ફેંસલો સંભળાવ્યો હતો કે, 24 જૂલાઈ, 2018નો આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન ચુકાદો ભારતમાં સાર્વજનિક નીતિની વિરૂદ્ધ છે. જેણે આરઆઈએલના નેતૃત્વવાળા સમૂહની તરફેણમાં ફેસલો આપ્યો હતો. આરઆઈએલ નેતૃત્વના કોન્સોર્ટિયમમાં બ્રિટન સ્થિત બીપી પીઆઈસી અને કેનેડાનું નિકો રિસોર્સ સામેલ છે. આ વિવાદ 2014થઈ શરૂ થયો હતો. જ્યારે સરકારી કંપની ઓએનજીસીએ આરોપ લગાવ્યો હતો કે, આરઆઈએલએ કૃષ્ણા-ગોદાવરી (કેજી) બેસિનમાં તેમના સંબંધિત બ્લોકોની સીમા નજીક કૂવા ડ્રિલ કર્યા હતા. જેના કારણે ગેસનું માઈગ્રેશન થયું હતું.
ઓએનજીસીએ દાવો કર્યો હતો કે, 2009થી 2013ની વચ્ચે તેમના ક્ષેત્રોનું વચ્ચે ગેસ પ્રવાહથી આરઆઈએલને લાભ થયો હતો. 60 ટકા હિસ્સેદારી સાથે કેજી-ડી6 બ્લોકના ઓપરેટર આરઆઈએલએ જણાવ્યું હતું કે, તેણે પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટ (પીએસસી) અનુસાર કાર્ય કર્યું હતું. બીપી બ્લોકનો 30 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે નિકો રિસોર્સીસ બાકીના દસ ટકાની માલિકી ધરાવે છે.
આ બાબતની તપાસ કરવા માટે, બે કંપનીઓએ યુએસ સ્થિત કન્સલ્ટિંગ એજન્સી ડીગોલિયર અને મેકનોટન (ડી એન્ડ એમ)ની નિમણુંક કરી. ફર્મે જણાવ્યું હતું કે, આરઆઈએલનો બ્લોક ડેવલપમેન્ટ ગોદાવરી પીએમએલ બ્લોક પર ઓરિજિનલ ગેસ ઈન પ્લેસ કરવા સક્ષમ છે. 2014માં સરકારે આરઆઈએલ પાસે 1.47 અબજ ડોલરની માંગણી કરી હતી. સરકાર તરફથી આરોપ મુકવામાં આવ્યો હતો કે, આરઆઈએલએ ઓએનજીસીને અડીને આવેલા બ્લોક્સ ગોદાવરી પીએમએલ અને કેજી-ડીડબ્લ્યૂએન-98-2માંથી મંજૂરી વિના ગેસનું માઈગ્રેશન કર્યું અને વેચ્યું હતું.
ત્યારથી આ કેસ બહુવિધ ન્યાયિક અને આર્બિટ્રેશન કાર્યવાહીમાંથઈ પસાર થઈ રહ્યો હતો. સિંગાપોર સ્થિત આર્બિટ્રેટર લોરેન્સ બૂની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલે જૂલાઈ 2018માં સરકારના દાવાને ફગાવીને બે-એકથી ચુકાદો આપ્યો હતો. તેણે ચુકાદો આપ્યો હતો કે, પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરને બહારના સ્રોતમાંથી કોન્ટ્રાક્ટ વિસ્તારમાં માઈગ્રેશન ગેસ કાઢવા અને વેચવાથી અટકાવતો નથી. સરકારે તે જ વર્ષે આર્બિટ્રલ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. મે 2023માં સરકારે આર્બિટ્રેશનના ચુકાદાને પડકાર્યો હતો અને દલીલ કરી હતી કે, આ આદેશ જાહેર નીતિ પર પ્રહાર સમાન છે અને એક કોન્ટ્રાક્ટરને પ્રીમિયમ આપ્યું છે, છેતરપિંડી અને ફોજદારી ગુનો આચરીને વિશાળ સંપત્તિ એકઠી કરી છે. આ અંગે આરઆઈએલએ જણાવ્યું હતું કે, બંને બાજુ ગેસ હાજર હોય તો જ સંયુક્ત વિકાસને નિર્દેશિત કરી શકાય પરંતુ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હાઈટ્રોકાર્બનએ ક્ષેત્રના વિકાસના વિવિધ તબક્કાઓને કારણે સંયુક્ત ઘટનાક્રમને ટેકનિકલ રીતે અસંભવિત રીતે માન્યું હતું.
