સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે (સીબીડીટી) એક જાહેરનામું પ્રસિદ્ધ કરી રૂ. 10 લાખથી વધુ કિંમતે ખરીદવામાં આવતા લક્ઝરી ગુડ્સની ખરીદી પર 22 એપ્રિલ, 2025થી 1 ટકા ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટીસીએસ) લાગુ પડશે એવી જાહેરાત કરી છે. જાહેરનામાંની શરતો મુજબ યાદીમાં સમાવિષ્ટ ચીજવસ્તુઓ રૂ. 10 લાખથી વધુ કિંમતે ખરીદવામાં આવે એવા સંજોગોમાં ખરીદનાર પાસેથી 1 ટકા લેખે ટીસીએસ વસુલ કરવાની જવાબદારી વેચનાર વેપારીની રહેશે. ઇનકમ ટેક્સ એક્ટ, 1962માં ઇનકમ ટેક્સ (ઇલેવન્થ એમેડમેન્ટ) રુલ્સ અંતર્ગત આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

સીબીડીટીએ આના સંદર્ભમાં કુલ બે નોટિફિકેશન જારી કર્યા છે, જેમાંનું એક ક્યા પ્રકારના લક્ઝરી ગુડ્સનો આમાં સમાવેશ થાય છે તે અંગેનું છે જ્યારે બીજું ટેક્સના દરે અને કેટલી કિંમતથી વધારે ખરીદી પર ટીસીએસ લાગશે એ અંગેનું છે. ઉલ્લેખનીય છે કે વૈભવી ચીજવસ્તુઓની ખરીદી પર ટીસીએસ લાગશે તેની જાહેરાત જુલાઇ, 2024માં રજુ કરવામાં આવેલા બજેટમાં કરવામાં આવી હતી. આ જાહેરાત મુજબ આ નિયમનો અમલ પહેલી જાન્યુઆરી, 2025થી થવાનો હતો પરંતુ હજી સુધી તે અંગે જાહેરનામું પ્રસિદ્ધ થયું ન હતું.