પ્રાઇમરી માર્કેટમાં ચાલતા દુકાળનો અંત હજી બહુ જલદી આવે એવી શક્યતા નથી, પરંતુ હાલમાં ભારતની વિવિધ કંપનીઓ દ્રારા આઇપીઓ લાવવાની તૈયારી પુરજોશમાં કરવામાં આવી રહી છે. માર્ચ મહિનામાં એક પણ આઇપીઓ લોંચ થયો ન હતો તે પછી છેલ્લા ચાર જ દિવસમાં આશરે 14 જેટલી કંપનીઓએ સેબી સમક્ષ તેમના ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) ફાઇલ કર્યા છે.
સેબી દ્રારા 30મી સપ્ટેમ્બર, 2024ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના ઓડિટેડ રિઝલ્ટ સાથે આઇપીઓ માટેની દરખાસ્ત રજુ કરવા માટે નક્કી કરવામાં આવેલી 31મી માર્ચની સમયમર્યાદા પૂરી થઇ છે ત્યારે વિવિધ કંપનીઓ આવી દરખાસ્ત રજુ કરવા માટે ઘસારો કરી રહી છે. હાલમાં કુલ 52 કંપનીઓને સેબી તરફથી આઇપીઓ લાવવા માટે મંજૂરી મળી ગઇ છે અને બીજી 65 કંપનીઓએ આઇપીઓ માટે સેબીની મંજૂરી મેળવવા માટે દરખાસ્ત સબમિટ કરી દીધી છે.
ઓક્ટોબર મહિનામાં ભારતીય શેરબજારમાં મંદીનો તબક્કો શરૂ થયો, રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું અને છેલ્લા એક વર્ષમાં લિસ્ટિંગ કરાવનારી કંપનીઓના શેરનો દેખાવ નબળો પડયો તેના કારણે ફેબ્રુઆરી મહિનાથી દેશના પ્રાઇમરી માર્કેટમાં સુસ્તી છે અને માર્ચમાં તો એક પણ આઇપીઓ લોંચ થયો નથી. આવી સ્થિતિને કારણે ઘણી કંપનીઓએ મંજૂરી મળી ગઇ હોવા છતાં તેમનો આઇપીઓ લાવવાની યોજના હાલપૂરતી મુલતવી રાખી છે. 2025માં અત્યાર સુધીમાં માત્ર 9 કંપનીઓએ જ આઇપીઓ લાવીને કુલ રૂ. 15,723 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે, જેની તુલનાએ સમગ્ર વર્ષ 2024માં કુલ 57 કંપનીઓએ આઇપીઓ દ્રારા કુલ રૂ. 1.6 લાખ કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું.
સપ્ટેમ્બર, 2024માં સૌથી વધુ 41 ડીઆરએચપી ફાઇલ થયા હતા
સપ્ટેમ્બર, 2024માં ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ તેમની વિક્રમી ટોચ કાયમ કરી તે પછી 30મી સપ્ટેમ્બરે કુલ 15 કંપનીઓએ આઇપીઓ લાવવા માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યા હતા, જેને પગલે સપ્ટેમ્બર, 2024માં આવા ફાઇલિંગની કુલ સંખ્યા 41 થઇ હતી. આ આંકડો કોઇ પણ એક મહિનામાં કરવામાં આવેલા ડીઆરએચપી ફાઇલિંગનો સૌથી મોટો આંકડો છે.
IPOના આંકડા
2025માં અત્યાર સુધીમાં માત્ર 9 કંપનીઓ દ્રારા રૂ. 15,723 કરોડનું ભંડોળ એકત્ર કરાયું છે
2024માં 57 કંપનીઓ દ્રારા રૂ. 1.6 લાખ કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું
છેલ્લા એક સપ્તાહમાં આઇપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કરનારી કંપનીઓના નામ
એડવાન્સ એગ્રોલાઇફ * આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક * આર્ડી એન્જિનિયરિંગ * ઇએસડીએસ સોફ્ટવેર સોલ્યુશન્સ *ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશ્યિાલીટી * જૈન રિસોર્સ રિસાઇકલિંગ * ઓમ ફ્રેઇટ ફોરવર્ડર્સ* પેસ ડિજિટેક * પાર્ક મેડિવર્લ્ડ * પ્રોઝિલ ગ્રીન એનર્જી * રુનવાલ એન્ટરપ્રાઇસિસ * એસઆઇએસ કેશ સર્વિસીસ * સ્વસ્તિકા ઇન્ફ્રા * ટી પોસ્ટ