- સર્ચ જાયન્ટના સ્પર્ધા વિરોધી વલણથી વેબસાઈટ, એપને નુકસાનનો દાવો
- લંડનની ટ્રિબ્યૂનલે ગૂગલના વકીલોની દલીલો નકારી સુનાવણી માટેની મંજૂરી આપી
- ગૂગલની વેપાર પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતો નવીનતમ કેસ
લંડનની કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યૂનલ (સીએટી)એ બુધવારે ચુકાદો આપ્યો હતો કે, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટને ઓનલાઈન જાહેરાતના માર્કેટમાં પોતાના વર્ચસ્વનો ગેરપયોગ કરવા બદલ 13.6 અબજ પાઉન્ડ (17.4 અબજ ડોલર) સુધીની કિંમતના વળતરના દાવાનો સામનો કરવો પડશે. યુનાઈટેડ કિંગડમ સ્થિત વેબસાઈટ્સ અને એપ્લિકેશનના પ્રકાશકો વતી નુકસાનની માંગણી કરતો મુકદ્દમો, સર્ચ જાયન્ટની વેપાર પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતો નવીનતમ કેસ છે.
ગૂગલના કથિત સ્પર્ધા વિરોધી વર્તનને કારણે પોતાને નુકસાન થઈ રહ્યું હોવાના દાવાને પગલે પ્રકાશકો વતી આ સામૂહિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલબત્ત ગૂગલે ગત મહિને સીએટીને અનુરોધ કર્યો હતો કે, કાનૂની કાર્યવાહીને અટકાવી દેવામાં આવે, કેમ કે મામલો તર્કસંગત નથી. ગૂગલના વકીલોએ કોર્ટ દસ્તાવેજોમાં ઉક્ત આરોપોને મજબૂતીથી નકારી કાઢયા હતા. જો કે સીએટીએ ગૂગલના વકીલોની દલીલોને ગ્રાહ્ય રાખી ન હતી અને લેખિત ચુકાદામાં દર્શાવ્યું હતું કે, તે આ કેસને સુનાવણીના તબક્કામાં પ્રવેશવા માટેની મંજૂરી આપે છે. આ કેસની સુનાવણી હવે વર્ષ 2025ના અંત પહેલા શરૂ થાય તેવી શકયતા છે. ટ્રિબ્યૂનલે યુકેની સામૂહિક કાર્યવાહી વ્યવસ્થા હેઠળ કેસને પ્રમાણિત કરવા માટેની કસોટી પર પણ ભાર મૂક્યો હતો, જે લગભગ યુનાઈટેડ સ્ટેટ્સની વર્ગ કાર્યવાહી વ્યવસ્થાની સમકક્ષ, પ્રમાણમાં ઓછી છે.










