ભારતના વિવિધ નિકાસકારો દ્રારા વેપારના માધ્યમથી નાણાં પાકિસ્તાન ટ્રાન્સફર કરીને તેનો ગેરકાયદે પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તે નક્કી કરવા કેન્દ્ર સરકારે વિવિધ ટ્રેડ ડેટાની ચકાસણી હાથ ધરી છે.

ભારત સરકારના ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (એફઆઇયુ) દ્રારા દેશના આશરે 20 એક્સપોર્ટ હાઉસ દ્રારા કરવામાં આવેલ વહેવારોની તપાસ હાથ ધરવામાં આવી છે, કારણ કે તપાસ એજંસીને એવી શંકા છે કે આ નિકાસકારો દ્રારા જે વેપાર કરવામાં આવ્યો છે તેના દ્રારા મનિ લોન્ડરિંગ કરીને નાણાં યુએઇના માધ્યમથી પાકિસ્તાન પહોંચાડવામાં આવ્યા છે.

આ તપાસ અંતર્ગત મુખ્યત્ત્વે વેપાર પેટે રોકડ નાણાંની ચુકવણી આગોતરી કરવામાં આવી હોય અથવા તો મનિ લોન્ડરિંગના હેતુથી વેપાર પેટે વિદેશી એજંટને કમિશનની ચુકવણી કરવામાં આવી હોય એવા કિસ્સા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટ્રેડ આધારિત મનિ લોન્ડરિંગ કરવામાં આવ્યું હોય એવા સંદિગ્ધ વેપારના સોદાની તપાસ હાથ ધરવામાં આવી છે. આવા વહેવારો અંતર્ગત ડમિ વેપારના માધ્યમથી ભારતથી બહાર નાણાં મોકલવામાં આવ્યા હોય એવા કેટલાક કિસ્સા ધ્યાન પર આવ્યા છે. આવા વહેવારો ધરાવતા આશરે 20 જેટલા એક્સપોર્ટ હાઉસ સામે હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને છેલ્લા 14 મહિનામાં જે વહેવારો હાથ ધરાયા હોય તેની તપાસ હાથ ધરાઇ છે. આવા જે વહેવારો થયા છે તેમાં પ્રોડક્ટની કિંમત અને કમિશનની રકમ ખૂબ જ ઊંચી છે અને આ માપદંડને આધારે જ આવા શંકાસ્પદ વહેવારોની યાદી તૈયાર કરવામાં આવી છે.

આવા જે સંદિગ્ધ સોદા કરવામાં આવ્યા છે તેમાં મોટા ભાગે નબળી ગુણવત્તા ધરાવતી સસ્તી જ્વેલરી તથા સેમી પ્રેસિયસ સ્ટોનની જ્વેલરી, બ્યુટી પ્રોડક્ટ્સ તથા અત્તર, ડ્રાય ફ્રુટ્સ અને ઇલેક્ટ્રિક આઇટમ્સ જેવી ચીજવસ્તુઓનો વેપાર દર્શાવવામાં આવ્યો છે. સૂત્રોએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે એફઆઇયુ દ્રારા આવા સંદિગ્ધ વહેવારની માહિતી અન્ય તપાસકર્તા એજંસીઓને પણ આપવામાં આવી છે કે જેથી તેઓ પણ સંબંધિત કંપનીઓ દ્રારા ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે નાણાંની હેરફેર કરવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ કરી શકે.