ચીન સાથેનું ટ્રેડ વોર હળવું થશે એવા સંકેતના કારણે ડોલર ઇન્ડેક્સ મજબૂત બનતાં આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 23 પૈસા એટલે કે 0.3 ટકા ઘટીને 85,42ની સપાટીએ બંધ રહ્યો હતો.

સતત પાંચ સેશનમાં 155 પૈસા વધ્યા પછી રૂપિયામાં ગઇ કાલે ઘટાડાની ચાલ શરૂ થઇ હતી જે આજે પણ આગળ વધી હતી અને બે સેશનમાં રૂપિયો કુલ 30 પૈસા ઘટયો છે. રૂપિયામાં આજે નોંધાયેલો આ ઘટાડો છેલ્લા બે સપ્તાહનો સૌથી મોટો ઘટાડો છે.

આજે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જમાં મંગળવારના બંધ 85.19ની તુલનાએ પાંચ પૈસા ઘટીને 85.24ની સપાટીએ ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 85.52ની લો સપાટી બનાવી હતી. દિવસને અંતે રૂપિયો 85,42ની સપાટીએ બંધ રહ્યો હતો. ટ્રેડર્સના જણાવ્યા મુજબ રૂપિયો ચાલુ સપ્તાહમાં 85ની સપાટીએ પ્રતિકારનો સામનો કરતો જોવા મળતો હતો, જેથી તેજીવાળા ખેલાડીઓએ તેમની પોઝિશન સ્કેવર ઓફ કરતાં રૂપિયામાં ધોવાણ જોવા મળ્યું છે.

દરમિયાન છ અગ્રણી વૈશ્વિક કરન્સિ સામે ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ આજે 0.09 ટકા વધીને 99ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેનું ટ્રેડ વોર હળવું થશે અને યુએસ ફેડરલ રિઝર્વ જેરોમ પોવેલને બદલવામાં નહીં આવે એવું નિવેદન આપતા ડોલરમાં મજબૂતાઇ આવી હતી. આ ઉપરાંત આજે સતત બીજા દિવસે ક્રુડના ભાવમાં વધારાની ચાલ જોવા મળી હતી અને બ્રેન્ટ ક્રુડ 1.30 ટકા વધીને પ્રતિ બેરલ 68.32 ડોલર પર પહોંચ્યું હતું, જ્યારે ડબલ્યુટીઆઇ ક્રુડ 1.35 ટકા વધીને 64.53 ડોલર પર ટ્રેડ થતું હતું.