યુએસમાં રિપબ્લિકન પાર્ટી દ્રારા મુકવામાં આવેલી એક નવી ટેક્સ પ્રપોઝલને પગલે યુએસમાં વસતા બિનનિવાસી ભારતીયો (એનઆરઆઇ)માં સોપો પડી ગયો છે.

12 મે, 2025ના રોજ મુકવામાં આવેલી આ દરખાસ્તમાં યુએસના નાગરિકો ન હોય એવા વ્યક્તિ દ્રારા યુએસમાંથી જો વિદેશમાં નાણાં મોકલવામાં આવે તો તેની પર 5 ટકા ટેક્સ લાદવાનો પ્રસ્તાવ છે. યુએસની ટેક્સ પોલિસીમાં થનારા આ સંભવિત ફેરફારને લઇને યુએસમાં વસતા એનઆરઆઇ એટલા માટે ચિંતિત છે કે આવા એનઆરઆઇ દ્રારા તેમના ભારતમાં વસતા સગાવ્હાલાને નિયમિતરૂપે નાણાં મોકલવામાં આવે છે. હવે આવી રીતે મોકલવામાં આવતા નાણા પર 5 ટકા જેટલી રકમ ટેક્સ સ્વરૂપે કપાઇ જશે.

એક અંદાજ મુજબ યુએસમાં વસતા એનઆરઆઇ દ્રારા પ્રતિ વર્ષ આશરે 83 અબજ ડોલર એટલે કે આશરે રૂ. 7,05,500 કરોડની રકમ ભારતમાં મોકલવામાં આવે છે. હવે આ રકમ પર જો 5 ટકા ટેક્સ લાગે તો આ ટેક્સ પેટે એનઆરઆઇ અથવા તો જેમને ભારતમાં રકમ મોકલાય છે એવા તેમના સગાવ્હાલા પર આશરે રૂ. 35,275 કરોડની રકમ ચુકવવી પડે.

આ પ્રપોઝલનું વિધેયક યુએસનું હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ મેમોરિયલ ડે એટલે કે 26મી મે સુધીમાં પસાર કરવાનો ઇરાદો ધરાવે છે. ટ્રમ્પે રિપબ્લિકન્સને આ બિલ આસાનીપૂર્વક પસાર થઇ જાય એ સુનિૃત કરવાનો અનુરોધ કર્યો છે. હાઉસમાં આ બિલ પસાર થઇ જાય તે પછી તરત જ સેનેટમાં મતદાન કરી તેને પસાર કરવામાં આવશે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો આ ટેક્સની જોગવાઇ 4થી જુલાઇ સુધીમાં લાગુ કરી દેવામાં આવશે અને નાણાં ટ્રાન્સફર કરતી બેંકો દ્રારા આવી ટ્રાન્સફર કરતી વખતે જ આ ટેક્સ કાપીને સરકારમાં જમા કરાવવામાં આવશે. આવો ટેક્સ કાપતી વખતે નાણાં ક્યા હેતુસર ટ્રાન્સફર કરવામાં આવે છે કે કેટલા નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે તેને ગણતરીમાં લેવામાં આવશે નહીં. અત્યાર સુધી આવી ટ્રાન્સફર પર કોઇ ટેક્સ લાગતો ન હતો.