• 2024માં લિસ્ટેડ 154 શેર પૈકી અડધાથી વધુની હાલત કફોડી

  • લિસ્ટિંગના દિવસે આવા શેરોની કિંમતમાં નોંધપાત્ર વધારો હવા ભરેલા ફુગ્ગા જેવો
  • લિસ્ટિંગના દિવસે સૌથી વધુ વધારો નોંધાવ્યા બાદ ડૂબકી લગાવનારા ટોચના દસ SME સ્ટોક્સ

કેલેન્ડર વર્ષ 2024માં સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઈઝ (એસએમઈ) સેક્ટરના 154 સ્ટોક્સ લિસ્ટેડ થયા હતા.જે પૈકી 50 ટકા સ્ટોક્સ એવા છે

જે માર્કેટમાં પોતાના પ્રથમ દિવસે કરેલા સારા પ્રદર્શન બાદ સંકોચાયા છે. આ સ્ટોક્સના પ્રથમ દિવસના ક્લોઝિંગ પ્રાઈઝથી આ શેરોમાં સતત ઘટાડા તરફી વલણ જોવા મળ્યું છે. લિસ્ટિંગના મજબૂત લાભો છતાં આ સ્ટોક્સના મૂલ્યમાં ભારે ઓટ આવી છે. આ પૈકી 22 સ્ટોક્સ એવા છે જેમના મૂલ્યમાં 30 ટકાથી 70 ટકાનો ઘટાડો થયો છે. પ્રથમ દિવસે વધારા મામલે ટોચ પર રહેલા દસ સ્ટોક્સ પૈકી નવ શેર એવા છે જેમાં પ્રથમ દિવસના બંધ ભાવથી ઘટાડો થયો છે. નિષ્ણાતો આ ઘટાડા માટે સટ્ટાકીય રોકાણકારોને જવાબદાર ઠેરવી રહ્યાં છે. ઉપરાંત માર્કેટમાં લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સની ગેરહાજરી પણ આ ઘટાડા પાછળનું પરિબળ હોવાનું માનવામાં આવે છે. વધુમાં એસએમઈ સ્ટોક્સમાં લિસ્ટિંગના દિવસ પછીના ઘટાડા માટે નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે, બજાર નિયમનકાર દ્વારા આવા રોકાણ સામે સતર્ક રહેવાનું પણ જણાવવામાં આવ્યું હોવાથી રોકાણકારો સ્ટોક્સમાંથી વહેલી તકે એક્ઝિટ કરી લે છે. જેથી આવા શેરોના મૂલ્યમાં ઘટાડો આવે છે.

આ અંગેના પ્રાપ્ત ડેટા અનુસાર, એવું પણ સામે આવ્યું છે કે, નોંધપાત્ર વધારો નોંધાવ્યો હોવા છતાં 2024માં લિસ્ટિંગ થયેલા 154 એસએમઈ સ્ટોક્સ પૈકી 18 ટકા શેર એવા છે, જે પોતાની ઈશ્યૂ પ્રાઈઝ કરતાં પણ હાલ નીચા મથાળે ટ્રેડિંગ કરી રહ્યાં છે. ઊંચા મથાળે લિસ્ટિંગ થયા બાદ પણ હાલ વર્યા ક્રિએશન, યુફોરિયા ઈન્ફોટેક (ઈન્ડિયા), સાંઈ સ્વામી મેટલ્સ એન્ડ એલોયસ તથા ડેમ રોલ ટેક એવા સ્ટોક્સ છે, જે હાલ પોતાની ઈશ્યૂ પ્રાઈઝ કરતાં નીચા મથાળે ટ્રેડિંગ કરી રહ્યાં છે.

નિષ્ણાતોનું માનવું છે કે, હવે રોકાણકારો એ વાત સમજવા લાગ્યા છે કે, એસએમઈ સેક્ટરમાં સ્ટોકના મૂલ્યમાં વધારો મિથ્યા સમાન છે. પ્રાઈઝ વધારો પાણીના પરપોટા જેવો છે, જે ગમે ત્યારે ફૂટી શકે છે અને તેમને ભારે આર્થિક નુકસાન થઈ શકે છે. એસએમઈ આઈપીઓ ભરનારા મોટાભાગના રોકાણકારોનો માત્ર એટલો જ વ્યૂહ હોય છે કે, તેઓ લિસ્ટિંગના દિવસના વધારા બાદ શેરમાંથી એક્ઝિટ કરી લેશે. અલબત્ત બજારમાં એવી ઘણી એસએમઈ કંપનીઓ છે જે સારૂં પ્રદર્શન કરી રહી છે પણ ઘણાં રોકાણકારો આવી કંપનીના સ્ટોક્સનું નજીકથી નિરિક્ષણ કરતાં નથી.


  • Follow us on: