પુણેના એક ચાર્ટર્ડ ફાયનાન્સિયલ એનાલિસ્ટે (સીએફએ)એ પ્લેટફોર્મ એક્સ પર મુકેલી એક સ્થાનિક ઘંટીની પોસ્ટ અત્યંત વાયરલ થઇ છે.

પોતાના નિવાસસ્થાનથી નજીક આવેલી લોટ દળવા માટેની દુકાન એટલે કે ઘંટીના માલિકે પોતાની દુકાન પર જે 17 ફોટા મુક્યા છે તેની તસવીર આ સીએફએએ પોસ્ટ કરી છે. દુકાનદારે ફ્રેમમાં મઢેલા આ જે ફોટા મુક્યા છે તે પૈકીના 16 ફોટા તેને આ એક સામાન્ય ઘંટી શરૂ કરવા માટે સરકારના વિવિધ વિભાગો પાસેથી જે 16 મંજૂરી મેળવવી પડી છે તે મંજૂરીના સર્ટિફિકેટના છે, જ્યારે અન્ય એક ફોટો ભારતના બંધારણના મુખપૃષ્ટનો ફોટો છે.

નિતીન એસ ધર્માવત નામના આ સીએફએએ પોસ્ટમાં આ દુકાનનો ફોટો મુકીને તેને ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની શું સ્થિતિ છે તેનું એક શ્રોષ્ઠ ઉદાહરણ ગણાવ્યો છે. પોસ્ટ મુકનારના મત મુજબ આ ઘંટીનો માલિક એક ખૂબ જ મહેનતું અને ઇમાનદાર માણસ છે અને તે કાયદાને ખૂબ જ માન આપે છે. આથી તેને એક ઘંટી ચલાવવા માટે જે કુલ 16 મંજૂરી મેળવવી પડે છે તે તમામ મંજૂરી મેળવી છે અને આ મંજૂરીના ફોટા ફ્રેમ કરીને દુકાન પર લગાવ્યા છે. આ તમામ મંજૂરી મેેળવવા માટે આ દુકાનદારે કેટલી મહેનત કરવી પડી હશે, કેટલો સમય બગાડવો પડયો હશે અને કેટલો ખર્ચ કરવો પડયો હશે તે સહેજે સમજી શકાય એવી વાત છે. જો એક નાનકડી ઘંટી ચલાવવા માટે આટલી મંજૂરી લેવી પડતી હોય તો હવે ખરેખર પરિવર્તન લાવવાનો સમય પાકી ગયો છે અને કમનસીબીની વાત એ છે કે હજી સુધી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના મોરચે ખાસ કોઇ પ્રગતિ થઇ નથી.

ઉલ્લેખનીય છે વર્લ્ડ બેંકે છેલ્લે 2020માં સમગ્ર વિશ્વનો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો અહેવાલ પ્રગટ કર્યો હતો અને તેમાં ભારત 63માં ક્રમે હતું. કોઇ પણ દેશમાં કોઇ નવો બિઝનેસ શરૂ કરવો હોય તો તેના માટે નિયમનકારી માળખું કેટલું સાનુકૂળ છે તે દર્શાવતા ઇન્ડેક્સને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ કહે છે.