ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થયો, સાથે સાથે ગરમીનો પારો વધી રહ્યો છે. સામે ગરમીમાંથી છૂટકારો અપાવતાં એસીની કિંમતોમાં વધારો થયો છે. એટલે કે, આ વખતે લોકોને ગરમીમાં ઠંડીનો અનુભવ કરવા ખિસ્સા વધુ પ્રમાણમાં હળવા કરવા પડશે.

ડોલર સામે રૂપિયો મોંઘો થતાં આયાત ડયૂટી વધી છે, આ સાથે સપ્લાયની ચિંતા પણ જન્મી છે. સપ્લાય ચેઈનમાં અવરોધોને કારણે કોમ્પ્રેસર જેવા મુખ્ય એસી ઘટકોના શિપમેન્ટમાં વિલંબ થયો છે. જેની અસર એસીની કિંમતો પર પડી છે. પીક બિઝનેસ સિજન પહેલાં એસી ઉત્પાદકો બેવડી હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ સાથે એસીના વિક્રેતાઓને મોંઘા રૂપિયા અને સપ્લાય ચેઈનના અવરોધો જેવો બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. તેમના બિઝનેસ પર અસર થઈ શકે છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. જો કે સ્થાનિક એસી મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમમાં સુધારો થયો છે. જે સરકારની પીએલઆઈ સ્કીમ દ્વારા સમર્થિત છે. પરંતુ એસી સામગ્રીનું સ્થાનિક ઉત્પાદન હજુ પણ માંગને પહોંચીવળવા માટે પૂરતું નથી. જેથી અગ્રણી કંપનીઓ ચીનમાંથી આયાત પર આધારા રાખે છે.

ચાલુ વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવને કારણે સપ્લાય ચેઈન વધુ વણસી છે. અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થયો છે. જે ઉત્પાદન સમયરેખા અને નિર્ણાયક ઘટકોની ઉપલબ્ધતાને અસર કરે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, એક વર્ષમાં ડોલર સામે રૂપિયો પાંચ ટકાથી વધુ ગગડયો છે. જેથી આયાતી અને સ્થાનિક રીતે મેળવેલા કાચા માલના ખર્ચમાં વધારો થયો છે. વિક્રેતાઓને આશા છે કે, એક મહિનામાં પ્રાઈઝ એડજસ્ટમેન્ટ માટેનો નિર્ણય લેવાઈ શકે છે. ઈનપુટ પડતરમાં વધારાને કારણે અંતિમ ઉત્પાદન પડતરને અસર થઈ રહી છે. એસી કંપનીઓ આયાત પર નિર્ભરતાં ઘટાડવા પોતાના સ્થાનિક ઉત્પાદન એકમોનો ઉપયોગ કરી રહી છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, લગભગ 1.4 કરોડ એસી યુનિટની માંગ છે. પરંતુ સ્થાનિક કોમ્પ્રેસર ક્ષમતા માત્ર 80 લાખ યુનિટ જ સપોર્ટ કરી શકે છે. સ્થાનિક ઈકોસિસ્ટમનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ તેમાં સમય લાગશે. ચીન પર હજુ પણ નોંધપાત્ર નિર્ભરતા છે.