અદાણી એન્ટપ્રાઈઝ લિમિટેડ (એઈએલ)એ સોમવારે અદાણી વિલ્મર લિમિટેડ (એડબ્લ્યૂએલ)માં તેના હિસ્સાના વ્યાપક વિનિવેશ દ્વારા વિલ્મર ઈન્ટરનેશલ લિમિટેડ સાથેના સંયુક્ત સાહસમાંથી બહાર નીકળવાના નિર્ણયની જાહેરાત કરી હતી.


કંપની તરફથી જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, 30મી ડિસેમ્બરના રોજ આ ડીલની સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અદાણી જૂથે એક્સચેન્જને આ અંગેની માહિતી આપી હતી. આ સોદાથી એઈએલ માટે બે અબજ ડોલર એકત્ર કરવાનો અંદાજ છે. આ ટ્રાન્ઝેક્શન અદાણીના પોર્ટફોલિયોને સુવ્યવસ્થિત કરવા અને તેના મુખ્ય વ્યવસાયોમાં રોકાણ કરવા માટે તરલતાને અનલોક કરવા પરના વ્યૂહાત્મક ધ્યાનને પ્રકાશિત કરે છે. આ ડીલમાંથી થનારી આવક એનર્જી, યુટિલિટી, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ તથા અન્ય ઉદ્યોગ સંલગ્ન સાહસો સહિત મુખ્ય માળખાકીય ક્ષેત્રોમાં વૃદ્ધિને વેગ આપવા તરફ નિર્દેશિત કરવામાં આવશે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, કંપનીએ પોતાનો સંપૂર્ણ હિસ્સો સિંગાપુરના ભાગીદારને ઓપન માર્કેટમાં લગભગ બે અબજ ડોલરમાં વેચ્યો છે. એટલે કે, અદાણી એન્ટરપ્રાઈઝ હવે લોટ, દાળ, ચોખા જેવી કિરાણા વસ્તુઓ નહીં વેચે. નવેમ્બરમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિશ દ્વારા અદાણી જૂથ પર લગાવવામાં આવેલા આરોપો બાદ ગૌતમ અદાણીના નેતૃત્વવાળી કંપનીમાં આ સૌ પ્રથમ કોઈ મોટો વ્યવહાર છે.

એઈએલએ પોતાની સંપૂર્ણ માલિકીવાળી કંપની અદાણી કોમોડિટિઝ એલએલપી (એસીએલ) સાથે મળીને સોમવારે વિલ્મર ઈન્ટરનેશનલ લિમિટેડની સહાયક કંપની લેન્સ પીટીઈ લિમિટેડ સાથે એક પાકી સમજૂતી કરી છે. નવી સમજૂતીની શરતો હેઠળ લેન્સ કોલ અથવા પુટ ઓપ્શનના માધ્યમથી એસીએલ દ્વારા મૂકવામાં આવેલ એડબ્લ્યૂએલના તમામ ઈક્વિટી સ્ટોક્સનું અધિગ્રહણ કરશે. જે એડબ્લ્યૂએલની વર્તમાન પેઈડ-અપ ઈક્વિટી શેર કેપિટલના 31.06 ટકા સુધી છે. લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ ધોરણોનું પાલન કરવા માટે એઈએલ એડબ્લ્યૂએલમાં તેના વધારાના 13 ટકા ઈક્વિટી હિસ્સાને વેચશે. આ તબક્કા પૂર્ણ થયા બાદ એઈએલ એડબ્લ્યૂએલમાં પોતાની 44 ટકા હિસ્સેદારી સંપૂર્ણ રીતે છોડી દેશે.

આ સાથે અદાણી જૂથનો હેતુ એઈએલની ઈન્ક્યુબેશન ક્ષમતાને મજબૂત કરવાનો છે. જે તેના ગ્રાહક સેવાના વિભાગો, જેમ કે, અદાણી એરપોર્ટ્સ અને અદાણી ડિજિટલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં સક્ષમ છે. આ સેગમેન્ટ્સ સામૂહિક રીતે અંદાજિત 350 મિલિયન ગ્રાહકોને સેવા આપે છે. પોર્ટફોલિયો સ્તરે જૂથે તેની કુલ સંપત્તિમાં આશરે 63 ટકા ઈક્વિટી જમાવી છે. આ ટ્રાન્ઝેક્શનથી આ રેશિયો વધુ સુધરવાની અપેક્ષા છે, એમ કંપનીએ જણાવ્યું હતું. છેલ્લા ચાર મહિનામાં એઈએલ અને અદાણી ગ્રુપની અન્ય સંસ્થાઓએ નોંધપાત્ર મૂડી એકત્ર કરી છે. એઈએલએ ઓક્ટોબર 2024માં 500 અબજ ડોલર સુરક્ષિત કર્યા હતા. એડબ્લ્યૂએલના ટ્રાન્ઝેક્શન સાથે કુલ 2.5 અબજ ડોલર એકત્ર કરશે.

વધુમાં અદાણી એનર્જી સોલ્યૂશન્સ લિમિટેડ, અંબુજા સિમેન્ટ લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ જેવી જૂથની અન્ય કંપનીઓએ સમાન સમયગાળામાં સામૂહિક રીતે આશરે બે અબજ ડોલર એકઠા કર્યા હતા. જે આંકડો કુલ 4.5 અબજ ડોલર પર પહોંચ્યો હતો.

ફોર્ચ્યુન બ્રાન્ડનું કૂકિંગ ઓઈલ, ઘઉંનો લોટ અને અન્ય ખાદ્ય સામગ્રી વેચનારી કંપની અદાણી વિલ્મર લિમિટેડમાં 43.94 ટકા હિસ્સેદારી ધરાવનાર અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડે જણાવ્યું હતું કે, તે વિલ્મર ઈન્ટરનેશનલને કંપનીનો 31.06 ટકા હિસ્સો વેચશે. છેલ્લા ઘણાં સમયથી એવી અટકળો હતી કે, અદાણી એન્ટરપ્રાઈઝ અદાણી વિલ્મરમાં સાથેના સંયુક્ત સાહસમાંથી ખસી જશે. અંતે સોમવારે આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.


  • Follow us on: