એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં અદાણી જૂથે ખૂબ જ સ્પર્ધાત્મક અને જંગી રોકાણની જરૂરિયાત ધરાવતા ટેલિકોમ ક્ષેત્રે પ્રવેશવાના તેના મહત્ત્વકાંક્ષી આયોજન પર પૂર્ણવિરામ મુકી દીધું છે. 2022માં યોજાયેલા ઓકશનમાં આ ક્ષેત્રે પ્રવેશવા માટે મેળવેલી સ્પેક્ટ્રમ અદાણી જૂથે ભારતી એરટેલને વેચી દીધી છે.
અદાણી જૂથની કંપની અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટિડ (એડીએનએલ)એ 2022માં 26 ગીગાહર્ટ્ઝના બેન્ડમાં 400 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ આશરે રૂ. 212 કરોડની કિમતે મેળવી હતી. હવે આ સ્પેક્ટ્રમ એરટેલને વેચી દેવામાં આવી છે. અગાઉ અદાણી જૂથે એવી જાહેરાત કરી હતી કે આ સ્પેક્ટ્રમનો ઉપયોગ જૂથના સ્વંય ઉપયોગ માટે કરવામાં આવશે. જોકે સ્પેક્ટ્રમ ખરીદનારી કંપનીઓ દ્રારા ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્રારા નક્કી કરવામાં આવેલા મિનિમમ રોલઆઉટ ઓબ્લિગેશન્સના નિયમનું પાલન ચોક્કસ સમયમર્યાદામાં ન કરવામાં આવે તો કંપનીને દંડ ફટકારવાની જોગવાઇ છે. આથી હવે આવો દંડ કરવામાં આવે એવી શક્યતા હોવાથી આ સ્પેક્ટ્રમ વેચી દેવામાં આવી છે એમ નિષ્ણાતો જણાવે છે.
ભારતી એરટેલે એક યાદીમાં જણાવ્યા મુજબ ભારતી એરટેલ અને તેની પેટાકંપની ભારતી હેક્સાકોમે અદાણી એન્ટરપ્રાઇસિસની પેટા કંપની અદાણી ડેટા નેટવર્કસ સાથે 26 ગીગાહર્ટ્ઝ બેન્ડમાં 400 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ખરીદવા માટે એક કરાર કર્યો છે. આ 400 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ પૈકી 100 મેગાહર્ટ્ઝ ગુજરાતમાં અને 100 મેગાહર્ટઝ મુંબઇમાં ફાળવવામાં આવી છે, જ્યારે આંધ્રપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને તામિલનાડુ એ પ્રત્યેક માટે 50 મેગાહર્ટ્ઝની ફાળવણી કરાઇ છે.
અગાઉ જ્યારે અદાણી જૂથે 2022માં જ્યારે ઓકશનમાં ભાગ લઇને સ્પેક્ટ્રમ ખરીદી ત્યારે ઉદ્યોગજગતમાં હવે આ જૂથ ટેલિકોમ ક્ષેત્રે પણ ઝંપલાવશે એવી માન્યતા ઊભી થઇ હતી અને બાહ્ય વિકાસ કરવામાં માહિર અદાણી જૂથ વોડાફોન જેવી નબળી કંપનીઓનું હસ્તાંતરણ કરે એવી અટકળો પણ હતી. જોકે અદાણી જૂથે આવી અટકળોને ફગાવી દઇને જણાવ્યું હતું કે તે આ સ્પેક્ટ્રમ દ્રારા પોતાનું ખાનગી નેટવર્ક ઊભું કરી પોતાના બિઝનેસ માટે જ તેનો ઉપયોગ કરશે. દરમિયાન નિષ્ણાતો જણાવે છે અન્ય ક્ષેત્રે વિકાસ માટે જંગી રોકાણની જરૂરિયાત હોવાથી અદાણી જૂથે ટેલિકોમ ક્ષેત્રે પ્રવેશવાનો પ્લાન પડતો મુક્યો હોય એ શક્ય છે.
2022માં સ્પેક્ટ્રમ ખરીદી તે પછી અદાણી જૂથ વોડાફોન જેવી નબળી કંપનીઓને હસ્તગત કરશે એવી અટકળો હતી, જોકે જૂથે તો કાયમ માટે આ સ્પેક્ટ્રમનો ઉપયોગ ખાનગી નેટવર્ક સ્થાપી પોતાના બિઝનેસ માટે કરવામાં આવશે એવો જ દાવો કર્યો હતો
જો હવે સેવા શરૂ કરવામાં ન આવે તો ટેલિકોમ વિભાગની શરતો મુજબ કંપનીને દંડ થવાનો પણ ભય હતો