અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે (એએએચએલ) રૂ. 16,700 કરોડનું રોકાણ કરીને નવી મુંબઇ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવ્યું છે, જે ઓગસ્ટ મહિનાથી વ્યવસાયિક ધોરણે કામકાજ શરૂ કરવાનું છે.

પણ મુંબઇના એરપોર્ટની તુલનાએ આ એરપોર્ટ પર પેસેન્જર યુઝર ફી, લેન્ડિગ ફી અને પાર્કિંગ ફી વધુ હોવાથી આ એરપોર્ટ પર ફ્લાઇટ શિફ્ટી કરવા એરલાઇન્સ તૈયાર થતી નથી. આના કારમે મુંબઇ એરપોર્ટની તુલનાએ આ એરપોર્ટ પર ઓછો ટ્રાફિક રહેવાની સંભાવના છે. આથી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે સરકાર સમક્ષ રજુઆત કરી છે કે મુંબઇ અને નવી મુંબઇ બન્ને એરપોર્ટ એક સમાન એટલે કે એક જ કંપની ગણીને એરલાઇન્સ અને પેસેન્જર બન્ને માટેના વિવિધ દરો સમાન રાખવામાં આવે. આ બન્ને એરપોર્ટનું સંચાલન હાલમાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ પાસે જ છે.

નવી મુંબઇ એરપોર્ટમાં અદાણી જુથે જંગી રોકાણ કર્યું હોવાથી ત્યાં ટ્રાફિક વધે એ બાબત આ જુથ માટે બહુ જ મહત્ત્વની છે, પરંતુ ચાર્જિસ વધારે હોવાથી એરલાઇન્સ આ એરપોર્ટ પર શિફ્ટ થવાનું ટાળી રહી છે અને મુંબઇના એરપોર્ટનો જ ઉપયોગ કરવાનું ચાલુુ રાખે એવી શક્યતા છે. અગાઉ નવી મુંબઇ એરપોર્ટનું કામકાજ 15 મેના રોજ શરૂ થવાનું હતું પરંતુ હવે તે 6 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યું છે અને તેનાથી પણ વધારે વિલંબ થાય એવી શક્યતા છે. બુધવારે ઇન્ડિગોએ આ એરપોર્ટ પરથી નવેમ્બર મહિનાથી રોજ 18 ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને આ પ્રકારની જાહેરાત કરનારી આ કંપની પહેલી કંપની છે. આ સિવાય અન્ય કોઇ કંપની આ એરપોર્ટ પરથી ફ્લાઇટ શરૂ કરવા હજી સહમત થઇ નથી.