એક અગ્રણી સમાચાર સંસ્થાએ પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ ભારતના અગ્રણી ઔદ્યોગિક જુથ અદાણી ગ્રુપના પ્રતિનિધીઓએ તાજેતરમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓને મળીને ભારતમાં લાંચ આપવાના કેસમાં ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સામે લગાવવામાં આવેલા ક્રિમિનલ ચાર્જિસ રદ કરવા રજુઆત કરી હતી.
આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોનો હવાલો આપીને આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં વધુમાં જણાવાયા મુજબ ચાલુ વર્ષના પ્રારંભે આ પ્રકારની રજુઆત કરવાનું શરૂ કરવામાં આવ્યો હતું અને તાજેતરમાં આ રજુઆતની પ્રક્રિયા વેગવંતી બનાવવામાં આવી છે. આના પગલે આગામી મહિનાઓમાં આ અંગે કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવે એવી શક્યતા નિવારી શકાતી નથી. અદાણી જુથના પ્રતિનીધીઓ એવી દલીલ કરી રહ્યા છે કે અદાણી જુથ સામેના આરોપો ટ્રમ્પ જે નીતિને પ્રાધાન્ય આપે છે તેની સાથે સુસંગત નથી. આથી આ આરોપોને રદ કરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં અદાણી ગ્રીન એનર્જીએ જણાવ્યું હતું કે યુએસમાં અદાણી જુથ સામે જે આરોપો લાગ્યા છે, તેની સ્વતંત્ર સમીક્ષા ગ્રુપ દ્રારા કરાવવામાં આવી હતી અને આ સમીક્ષાના તારણ મુજબ અદાણી જુથે કોઇ ગેરરીતિ કે નિયમભંગ કર્યો નથી.
