યુએસ પ્રેસિડેન્ટ ડોન્ડાલ્ડ ટ્રમ્પે ઇયુ પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફનો અમલ મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી તેને પગલે ઓટો અને આઇટી શેરોમાં તેજીને પગલે ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકો આશરે અડધા ટકા જેટલા વધીને બંધ રહ્યો હતા અને સતત બીજા સેશનમાં માર્કેટમાં તેજી છવાઇ હતી.
ઇન્ટ્રા ડેમાં તો આ સુચકાંકો નોંધપાત્ર પ્રમાણમાં ઊંચકાયા હતા, પરંતુ તે પછી પ્રોફિટ બુકિંગને પગલે આ સુધારો થોડો ઘણો ધોવાયો હતો. ચોમાસાના વહેલા પ્રારંભે પણ આજની તેજીને બળ આપ્યું હતું અને વ્યાપક તેજીમાં તમામ ક્ષેત્રીય સુચકાંકો વધીને બંધ રહ્યા હતા. જોકે આજની તેજી વચ્ચે પણ વોલેટાલિટી ઇન્ડેક્સ 4.29 ટકા વધીને 18.02ની સપાટીએ પહોંચ્યો હતો, જે ચિંતાનો વિષય છે.
પ્રારંભે 207 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે પ્રારંભિક સમયગાળામાં જ પાછલા બંધથી કુલ 780 પોઇન્ટ વધીને 82,492ની ઇન્ટ્રા ડે હાઇ બનાવી હતી. જોકે ત્યારબાદ લગભગ 10.15 વાગ્યા પછી આ સુચકાંકમાં ઘટાડાનો દૌર શરૂ થયો હતો અને ઇન્ટ્રા ડેમાં 81,867ની લો બનાવ્યા પછી દિવસને અંતે સેન્સેક્સ 455 પોઇન્ટ એટલે કે 0.56 ટકા વધીને 82,176ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ ઇન્ટ્રા ડેમાં કુલ 625 પોઇન્ટની વધઘટ જોવા મળી હતી અને એક પણ વાર પાછલા બંધથી નીચે ગયા વગર સેન્સેક્સે આજે ફરી પાછું 82,000નું સ્તર પ્રાપ્ત કર્યું હતું. નિફ્ટીએ પણ પ્રારંભે 66 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 25,079ની હાઇ અને 24,900ની લો સપાટી બનાવી હતી અને કુલ 179 પોઇન્ટની વધઘટને અંતે 148 પોઇન્ટ એટલે કે 0.60 ટકા વધીને 25,001 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ એક પણ વાર પાછલા બંધથી નીચે ટ્રેડ થયો ન હતો અને એક સમયે પાછલા બંધથી 226 પોઇન્ટ ઉછળ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ આજે 250 પોઇન્ટ એટલે કે 0.56 ટકા વધીને 45,111ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 245 પોઇન્ટ એટલે કે 0.48 ટકા વધીને 51,766 પર બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ 139 પોઇન્ટ એટલે કે 0.14 ટકા વધીને 98,393ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,267 શેર પૈકી 2,301 વધીને, 1,772 ઘટીને અને 194 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 444.79 લાખ કરોડ એટલે કે 5.24 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે શુક્રવારના રૂ. 441.96 લાખ કરોડથી રૂ. 2.83 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 પૈકી 22 અને નિફ્ટીના 50 પૈકી 38 શે વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેર પૈકી એમ એન્ડ એમમાં 2.17 ટકાનો વધારો અને એટર્નલમાં 4.51 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના શેરો પૈકી બજાજ ઓટોમાં 2.39 ટકાનો અને જેએસડબ્લ્યુ સ્ટીલમાં 2.13 ટકાનો વધારો નોંધાયો હતો. આજે વોલેટાલિટી ઇન્ડેક્સ 4.29 ટકા વધીને 18.02ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પરના તમામ મુખ્ય 14 સેકટોરલ ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1.05 ટકા અને આઇટી 1.02 ટકા વધીને બંધ રહ્યો હતો.
આઠ સેશનમાં નિફ્ટીએ ઇન્ટ્રા ડેમાં પાંચ વાર 25,000નું સ્તર પાર કર્યું, પણ હોલ્ડ કરવામાં નિષ્ફળ
આજે સેશનના અંતે નિફ્ટી 25,000ના મહત્ત્વપૂર્ણ ગણાતા સ્તરથી માત્ર એક પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. આ સાથે છેલ્લા 8 સેશનમાં ઇન્ટ્રા ડેમાં નિફ્ટીએ પાંચ વાર આ સ્તરને પાર કર્યું છે, પણ તેમાંથી માત્ર ત્રણ વાર જ આ ઇન્ડેક્સ 25,000થી ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો છે. અગાઉ જ્યારે બે વાર નિફ્ટી આ સ્તરથી ઉપર બંધ રહ્યો ત્યારે પણ બીજે દિવસે તે પાછો પડયો હતો. આમ નિફ્ટી આ સ્તર જાળવી શકતો નથી.
સ્મોલ કેપ શેરોના એમ કેપમાં 10 સેશનમાં 7.3 લાખ કરોડનો વધારો
મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આજે સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. આ સાથે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાં 10 ટકાથી વધુ વધારો નોંધાયો છે અને તમામ સ્મોલ કેપ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં આ સમયગાળા દરમિયાન કુલ રૂ. 7.3 લાખ કરોડનો વધારો નોંધાયો છે.
ડિફેન્સ શેરોમાં સતત ત્રીજા સેશનમાં તેજી । વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદુરમાં સ્થાનિક રીતે ઉત્પાદિત સંરક્ષણ સાધનોના વખાણ કર્યા તેને પગલે ઓર્ડર બુક વધશે એવી આશાએ ડિફેન્સ શેરોમાં આજે સતત ત્રીજા સેશનમાં તેજી જોવા મળી હતી અને નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ 1 ટકાથી વધુ વધીને બંધ રહ્યો હતો.
નિકાસ વધશે એવી આશાએ ઓટો શેરોમાં તેજી
ટ્રમ્પે ઇયુ પર લાદવામાં આવેલી ટેરિફનો અમલ મોકુફ રાખતાં હવે નિકાસ વધશે એવી આશાએ ઓટો શેરોમાં આજે નોંધપાત્ર તેજી જોવા મળી હતી, જેને પગલે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1.05 ટકાના વધારા સાથે ટોપ ગેઇનર્સ રહ્યો હતો. ચોમાસાનો વહેલો પ્રારંભ થતાં સ્થાનિક માંગ પણ વધશે એવી આશાએ પણ તેજીને બળ પુરુ પાડયું હતું. ઇન્ડેક્સના ઘટક શેરોમાં બજાજ ઓટો 2.39 ટકાના અને એમ એન્ડ એમ 2.17 ટકાના વધારા સાથે ટોપ ગેઇનર્સ રહ્યા હતા. આ ઉપરાંત ટાટા મોટર્સમાં 1.52 ટકાનો વધારો નોધાયો હતો.