આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને જનરેટિવ એઆઈને કારણે બેરોજગારી વધી રહી હોવાની ચર્ચા વચ્ચે એક એવો અહેવાલ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, વાસ્તવમાં એઆઈ રોજગારીની વૃદ્ધિને વેગ આપી શકે છે.
જેના પગલે વર્ષ 2028 સુધીમાં ભારતમાં 27.3 લાખ જેટલી નોકરીઓનું સર્જન થશે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, ટેકનોલોજી સંચાલિત ક્ષેત્રો ખાસ કરીને રિટેલ, ઉત્પાદન, શિક્ષણ અને આરોગ્યસંભાળ માટે કુશળ કામદારોના પ્રવાહની જરૂરિયાત ઊભી થશે. એકલા રિટેલ ક્ષેત્રે જ લાખોની સંખ્યામાં નોકરીઓનું સર્જન થઈ શકે છે. જે સોફ્ટવેર એપ્લિકેશન ડેવલપમેન્ટ અને ડેટા એન્જિયરિંગ જેવા ક્ષેત્રોમાં રિસ્કિલિંગ માટેની તકો સર્જી શકે છે. ત્યારબાદ મેન્યુફેકચરિંગ ક્ષેત્રે નોકરીઓની પંદર લાખ તકો સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત આરોગ્ય સંભાળ ક્ષેત્રે રોજગારીની નવી આઠ લાખ તકો પેદા થઈ શકે છે. જે અપેક્ષિત રીતે આર્થિક વૃદ્ધિ અને ટેકનિકલ પરિવર્તનને આભારી છે. એક વિરોધાભાસી દ્રષ્ટિકોણ એ પણ છે કે, એક સમયે ભારતની વસ્તીને એક મુખ્ય આર્થિક લાભ રૂપે જોવામાં આવતી હતી. પણ જો આ વસ્તી માટે જરૂરી પ્રમાણમાં રોજગારીની તકો પેદા નહીં થાય તો આ વસ્તી વિસ્ફોટ જવાબદારીમાં ફેરવાઈ શકે છે.










