લિક્વિડિટી અને ધિરાણને મોટું ઇંજન આપવાના આશયથી એક મોટા નીતિવિષયક પગલાંમાં આરબીઆઇએ રેપો રેટમાં અપેક્ષાથી પણ વધારે 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતાં અને સાથે સાથે કેશ રિઝર્વ રેશિયોમાં પણ 100 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતાં બેકિંગ શેરોમાં આજે આગઝરતી તેજી જોવા મળી હતી.


તેને પગલે બેંક નિફ્ટીએ ઇન્ટ્રા ડેમાં 56,695ની નવી વિક્રમી ટોચ બનાવી હતી અને દિવસને અંતે પણ તે 817 પોઇન્ટ એટલે કે 1.47 ટકા વધીને 56,578ની સપાટીએ એટલે કે વિક્રમી ટોચથી માત્ર 117 પોઇન્ટ નીચે બંધ રહ્યો હતો. આરબીઆઇનું આ પગલું બેંકો માટે ભંડોળનો ખર્ચ ઓછો કરશે અને ધિરાણનો વૃદ્ધિદર વધારશે એવા આશાવાદે ખાનગી બેંકોના શેરો તો રોકેટની જેમ ઉપર ગયા હતા અને નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 1.79 ટકા વધીને બંધ રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ફાયનાન્સિયલ સર્વિસીસ ઇન્ડેક્સમાં 1.75 ટકાનો જ્યારે પીએસયુ બેંક ઇન્ડેક્સમાં 0.58 ટકાનો વધારો નોંધાયો હતો. બેકિંગ ક્ષેત્ર માટે આરબીઆઇનું આ પગલું એટલું બધું મહત્ત્વનું છે કે નિષ્ણાતોએ વ્યાજદરમાં અને કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડાને બ્રમોસ મિસાઇલ સમાન ગણાવ્યું હતું. આવી જ આગઝરતી તેજી રિઆલ્ટી શેરોમાં પણ જોવા મળી હતી અને નિફ્ટી રિઆલ્ટી દિવસને અંતે 4.68 ટકા વધીને બંધ રહ્યો હતો. વિવિધ રિઆલ્ટી શેરોમાં ઇન્ટ્રા ડેમાં 8 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. આરબીઆઇએ લીધેલા મહત્ત્વપૂર્ણ પગલાંને લીધે દેશમાં રિઆલ્ટી ક્ષેત્રની માંગ વધશે અને ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગની માંગમાં નોંધાપાત્ર વધારો થશે એવી આશાએ રિઆલ્ટી શેરોમાં તેજી જોવા મળી હતી. આરબીઆઇએ આજે સતત ત્રીજી વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને આ ત્રણ વારમાં વ્યાજદરમાં કુલ 100 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.

લોન ટુ વેલ્યૂ રેશિયો ઘટાડાતા ગોલ્ડ લોન આપતી કંપનીઓના શેરોમાં તેજી

2.5 લાખથી ઓછી ગોલ્ડ લોન માટે આરબીઆઇએ લોન ટુ વેલ્યુ રેશિયો ઘટાડતા ગોલ્ડ લોનનો મોટો કારોબાર ધરાવતી કંપનીઓના શેરોમાં પણ આજે 2થી 7 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. હાલમાં આ રેશિયો 75 ટકા છે જેને હવે વધારીને 85 ટકા કરવામાં આવશે. આરબીઆઇની આ જાહેરાતને પગલે મુથુટ ફાયનાન્સ, મનાપ્પુરમ ફાયનાન્સ, આઇઆઇએફએલ ફાયનાન્સમાં ઇન્ટ્રા ડેમાં અનુક્રમે 7 ટકા, 5 ટકા અને 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

વ્યાજદર ઘટતા માંગ વધવાની આશાએ ઓટો શેરોમાં પણ તેજી

આરબીઆઇએ આજે 50 બેસિસ પોઇન્ટ સાથે ત્રણ વારમાં કુલ 100 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતા લોનના વ્યાજદર ઘટશે અને તેના કારણે વાહનોની માંગ વધશે એવી આશાએ ઓટો શેરોમાં પણ તેજી જોવા મળી હતી અને નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1.58 ટકા વધીને બંધ રહ્યો હતો. અગ્રણી કંપનીઓ ટાટા મોટર્સ, મારૂતિ, હીરો મોટરકોર્પ, બજાજ ઓટો, આઇશર મોટર્સ, એમ એન્ડ એમ, અશોક લેલેન્ડ અને ટીવીએસ મોટર્સ સહિતના શેરોમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી.


  • Follow us on: