યુએસના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે સોમવારે જણાવ્યું હતું કે ભારત અને યુએસ વચ્ચેનું ટ્રેડ ડીલ ખૂબ જ નજીકના ભવિષ્યમાં પાર પડે એવી શક્યતા છે, કારણ કે બન્ને દેશોના હિતમાં કામ કરે એવા વિકલ્પો મળી ગયા છે.

આમ યુએસએ રેસિપ્રોકલ ટેરિફમાં આપેલી રાહતની મર્યાદા 9મી જુલાઇએ પૂરી થાય એ પહેલા આ ટ્રેડ ડીલ પાર પડે એવા સંકેત યુએસના કોમર્સ સેક્રેટરીએ આપ્યા છે. યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ દ્રારા વોશિંગટનમાં યોજવામાં આવેલા એક કાર્યક્રમને સંબોધન દરમિયાન તેમણે આમ જણાવ્યું હતું.

આ ટ્રેડ ડિલને અંતિમ સ્વરૂપ આપી શકાય તે માટે ભારત દ્રારા હાથ ધરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરતાં લુટનિકે જણાવ્યું હતું કે ભારત યુએસ સાથે ટ્રેડ ડીલ કરવામાં પોતે અગ્રેસર રહે તે માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રકારના ડીલ કરવામાં બેથી ત્રણ વર્ષનો સમયગાળો વીતી જતો હોય છે પરંતુ ભારત અને યુએસ માત્ર એકાદ મહિના જેટલા સમયગાળામાં જ આ ડીલપાર પાડશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે યુએસ તેના કેટલાક ક્ષેત્રોના સ્થાનિક બજારમાં ભારતને પ્રાધાન્યપૂર્વક પહોંચ એટલે કે પ્રેફરન્સશિયલ એક્સેસ આપવા પણ તૈયાર છે.

યુએસની ઓટો પરની 25 ટકા ડયૂટી સામે ભારતે ડબ્લ્યુટીઓમાં વિરોધ નોંધાવ્યો

ભારતે મંગળવારે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)માં એક અરજી કરી યુએસ દ્રારા ઓટોમોબાઇલ અને પાર્ટ્સ પર જે વધારાની 25 ટકા આયાત ડયુટી લાદવામાં આવી છે તેની સામે વિરોધ નોંધાવ્યો છે. યુએસ દ્રારા લેવામાં આવેલા આ સેફગાર્ડ મેઝર અંગે ચર્ચા વિચારણા થવી જોઇએ એવી રજુઆત ભારતે કરી છે. અગાઉ પણ ભારતે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લાદવામાં આવેલી 25 ટકાની ડયુટી સામે ડબ્લ્યુટીઓમાં આવો વિરોધ નોંધાવ્યો હતો. જોકે યુએસએ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આ નિર્ણય લેવાયો છે અને ભારતે કરેલી અરજીમાં કેટલીક કાર્યવાહીને લગતી ભૂલો છે એમ કહી ભારતના આ દાવાને ફગાવ્યો હતો. ભારતે તેની રજુઆતમાં જણાવ્યું છે કે યુએસએ ડબ્લ્યુટીઓની સેફગાર્ડ માટેની કમિટીને આ અંગે જાણ કરી નથી. આ નિર્ણયથી ભારતની નિકાસને મોટો ફટકો પડે એમ હોય યુએસ સાથે આ અંગે ચર્ચા વિચારણા થવી જોઇએ. ઉલ્લેખનીય છે ઓટો અને પાર્ટ્સ પર યુએસએ લાદેલી આ વધારાની ડયુટી 3 મે, 2025થી અમલી બની છે. ભારત યુએસમાં વર્ષે 6 અબજ ડોલરની ઓટો અને પાર્ટ્સની નિકાસ કરે છે.