લાર્જકેપની તુલનાએ આજે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં વધુ તેજી જોવા મળી હતી અને સેન્સેક્રસમાં 2.10 ટકાના વધારાની તુલનાએ બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સમાં 3.02 ટકાનો અને સ્મોલ કેપમાં 3.21 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
સેન્સેક્સમાં આજે સ્થિર તેજી સાથે બેઝલાઇનને સમાતંર ગ્રાફ જોવા મળ્યો હતો જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સેશન આગળ વધ્યું એમ ગ્રાફ ઉપર ચઢતો જોવા મળ્યો હતો. દિવસને અંતે બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 1,215 પોઇન્ટ એટલે કે 3.02 ટકા વધીને 41,489ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 1,471 પોઇન્ટ એટલે કે 3.21 ટકા વધીને 47,269ની સપાટીએ બંધ રહ્યો હતો. આ બન્ને ઇન્ડેક્સ પણ પાછલા બંધથી એક પણ વાર નીચે ગયા ન હતા, જે તેની મજબુત તેજી દર્શાવે છે. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ તેની 41,547ની હાઇ સપાટીથી માત્ર 58 પોઇન્ટ જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ તેની 47,285ની ઇન્ટ્રા ડે હાઇ સપાટીથી 16 પોઇન્ટ નીચે બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,256 શેર પૈકી 3,302 વધીને, 785 ઘટીને અને 169 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ આજે રૂ. 412.24 લાખ કરોડ એટલે કે 4.81 ટ્રિલીયન ડોલર નોંધાયું હતું, જે શુક્રવારના રૂ. 401.55 લાખ કરોડથી રૂ. 10.69 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી માત્ર બે જ શેર ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટીના 50 પૈકી એક જ શેરમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સના શેરો પૈકી ઇન્ડસઇન્ડ બેંકમાં 6.84 ટકાનો, ટાટા મોટર્સ તથા એલ એન્ડ ટીમાં 4.50 ટકાનો, એક્સિસ બેંકમાં 4.18 ટકાનો અને અદાણી પોર્ટ્સમાં 4.02 ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાયના વધીને બંધ રહેનારા સેન્સેક્સના 24 શેરોમાં 0.07 ટકાથી 3.23 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. સેન્સેક્સના બે શેર એચયુએલમાં 0.23 ટકાનો અને આઇટીસીમાં 0.36 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના શેરો પૈકી શ્રીરામ ફાયનાન્સમાં 5.17 ટકાનો, ડો. રેડ્ડીઝ લેબમાં 4.19 ટકાનો અને અદાણી એન્ટરપ્રાઇસિસમાં 4.07 ટકાનો વધારો નોંધાયો હતો.