લાર્જ કેપની તુલનાએ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં વધુ ઘેરી મંદી જોવા મળી હતી. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ પ્રારંભે જ 3,210 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો અને દિવસને અંતે 1,400 પોઇન્ટ એટલે કે 3.46 ટકા ઘટીને 39,107ની સપાટીએ બંધ રહ્યો હતો.

આ ઇન્ડેક્સે આજે 37,203ની બાવન સપ્તાહની સૌથી નીચી સપાટી નોંધાવી હતી અને દિવસને અંતે આ ઇન્ડેક્સ ઘટયા મથાળેથી 1,904 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ આજે 4,674 પોઇન્ટના ગેપ ડાઉન સાથે ખુલ્યો હતો અને દિવસને અંતે 1,892 પોઇન્ટ એટલે કે 4.13 ટકા ઘટીને 43,974ની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સે પણ આજે 41,013ની બાવન સપ્તાહની સૌથી નીચી સપાટી નોંધાવી હતી અને દિવસને અંતે ઘટયા મથાળેથી 2,961 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો.

BSE SME IPO ઇન્ડેક્સમાં પણ 3,870 પોઇન્ટનું ગાબડું 

એસએમઇ આઇપીઓ શેરોમાં આજે સૌથી વધુ મંદી જોવા મળી હતી અને 4,178 પોઇન્ટના કડાકા સાથે ખુલ્યા પછી બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ અંતે 3,870 પોઇન્ટ એટલે કે 4.50 ટકા ઘટીને બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સ પણ ઘટયા મથાળેથી 1,272 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો.

પાંચ જ સેશનમાં FIIની રૂ. 22,270 કરોડની વેચવાલી, DIIની રૂ. 22,770 કરોડની લેવાલી । એફઆઇઆઇએ આજે ભારતીય શેરબજારમાં રૂ. 9,040 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 12,122 કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે એપ્રિલ મહિનાના પાંચ સેશનમાં એફઆઇઆઇએ કરેલી નેટ વેચવાલીનો આંકડો રૂ. 22,770 કરોડ થાય છે, જ્યારે ડીઆઇઆઇની નેટ લેવાલીનો આંકડો રૂ. 17,755 કરોડ થાય છે.