મહત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનામાં મોટો ફેરફાર થયો છે. બુલેટ ટ્રેનના આયાત ભાવ તેમજ યોજનાના નિયમોમાં ફેરફાર અંગે ભારત અને જાપાન વચ્ચેની મંત્રણા પડી ભાંગી છે.


પહેલાં આ યોજના હેઠળ બુલેટ ટ્રેન જાપાનથી આયાત કરવામાં આવનાર હતી પણ તાજેતરના ઘટનાક્રમ બાદ હવે ભારતે પોતાનો વ્યૂહ બદલ્યો છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના અંગે ભારતે મેક-ઈન-ઈન્ડિયા અભિગમ અપનાવ્યો છે. આ યોજના માટે સપ્ટેમ્બરમાં બીઈએમએલ લિમિટેડ-મેઘા સર્વો ડ્રાઈવ્સ નામક સંયુક્ત સાહસને કરારબદ્ધ કરવામાં આવ્યું હતું. આ સંયુક્ત સાહસ દ્વારા વન્દે ભારત ટ્રેનોનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અલબત્ત જાપાન સાથેની આ મડાગાંઠ ઉકેલવાના પ્રયાસો જારી હોવાથી હજુ સુધી આ મામલે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (એમએએચએસઆર) કોરિડોર પ્રોજેક્ટની શરૂઆતના સાત વર્ષ પછી ભારત જાપાનમાંથી શિંકનસેન અથવા બુલેટ ટ્રેનની આયાત કરે તેવી શકયતા નથી. પ્રાઈઝ નેગોસિએશન અને પ્રોજેક્ટના નિયમોમાં બદલાવ કરવા અંગેની ચર્ચા નિષ્ફળ જતાં ભારત હવે જાપાન ખાતેથી બુલેટ ટ્રેનની આયાત કરે તેવી સંભાવના દેખાઈ રહી નથી. ભારત અને જાપાનની સરકાર વચ્ચે બુલેટ ટ્રેનના આયાત ભાવ, જમીન સંપાદનમાં અસધારણ વિલંબ અને સંયુક્ત સાહસના ટેકનિકલ નિયમોમાં ફેરફાર જેવા મુદ્દે વાટાઘાટો પડી ભાંગી છે.

જો કે બુલેટ ટ્રેન અંગે આયાત ભાવ અને નિયમોમાં ફેરફાર મામલે ભારત તથા જાપાન વચ્ચેની વાટાઘાટો પડી ભાંગી હોવા છતાં જાપાન સાથેનું કોકડું ઉકેલવા કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિનિ વૈષ્ણવ તેમજ અન્ય સરકારી અધિકારીઓએ સપ્ટેમ્બરમાં જાપાનની મુલાકાત લીધી હતી. જો કે આ મામલે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ એક અધિકારીએ જણાવ્યું હતું કે, જાપાનથી બુલેટ ટ્રેનની આયાત કરવી ખૂબ જ મોંઘું છે. ઉપરાંત જાપાનથી આયાત કરાઈ હોવાથી જીવનભર જાપાનની કંપનીને જ મેઈન્ટેનન્સ માટે બોલાવવી પડશે, જે પણ ખર્ચાળ હશે.

  • Follow us on: