યુએસ પ્રેસિડેન્ટે ચીનથી થતી આયાત પર કુલ 104 ટકાની ડયૂટી લાદી તેની પ્રતિક્રિયારૂપે ચીને પણ અગાઉ યુએસથી થતી આયાત પર લાદવામાં આવેલી 34 ટકાની ડયૂટી વધારીને 84 ટકા કરવાની જાહેરાત કરી હતી.

જેને પગલે હવે ક્રૂડની માંગમાં નોંધપાત્ર ઘટાડો થશે એવી ભીતિથી ક્રૂડના ભાવ સતત પાંચમાં દિવસે ઘટીને પ્રતિ બેરલ 60 ડોલરથી પણ નીચે ગયા હતા. બુધવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ઇન્ટ્રા ડેમાં 4 ટકાથી પણ વધુ ઘટીને પ્રતિ બેરલ 59.77 ડોલર થયા હતા, જ્યારે યુએસનો મેઇન ક્રૂડ કોન્ટ્રાક્ટ ડબ્લ્યુટીઆઇ 4.3 ટકા ઘટીને પ્રતિ બેરલ 57.02 ડોલર પર પહોંચ્યો હતો. જોકે તે પછી સેશન આગળ વધ્યુ તેમ આ ભાવમાં થોડી રિકવરી પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સૌપ્રથમ વાર ચીન સહિતના 60 દેશો પર રેસિપ્રોકલ ડયૂટીની જાહેરાત કરી તે પછીના પાંચેય સેશનમાં ક્રૂડના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી છે. આવા સંજોગોમાં કેટલાક નિષ્ણાતો એવો પણ મત ધરાવે છે યુએસ પ્રેસિડેન્ટ ક્રૂડના ભાવ ઘટીને 50 ડોલર પર પહોંચે એવો ઇરાદો ધરાવે છે કારણ કે જો ભાવ આટલા ઘટે તો યુએસની ઓઇલ અને ગેસ ઇન્ડસ્ટ્રી હાલના વિઘાતક તબક્કામાં પણ મજબૂતાઇ સાથે આગળ વધી શકે એમ છે.