ટકાઉ ન હોય એવો માલ ભારતના બજારમાં સસ્તી કિંમતે પધરાવવામાં માહિર ચીની કંપનીઓએ હવે ટ્રમ્પે લાદેલી જંગી ડયુટીથી બચીને અમેરિકામાં નિકાસ કરવા માટે સાઉથ કોરિયામાં માલસામનની નિકાસ કરીને અને ત્યાં મેઇડ ઇન કોરિયાનો લેબલનો ઉપયોગ કરી છેતરપિંડી આચરવાનું શરૂ કર્યું છે.
એવી માહિતી ખુદ કોરિયા કસ્ટમ સર્વિસીસએ આપી છે. સાઉથ કોરિયાના સ્થાનિક સમાચાર માધ્યમોમાં પ્રગટ થયેલા અહેવાલમાં આ સર્વિસીસના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ આ સર્વિસીસના અધિકારીઓએ 29.5 અબજ વોન એટલે કે આશરે 20.7 મિલિયન ડોલરની આ પ્રકારે ગેરરીતિપૂર્વક કરવામાં આવતી નિકાસને પકડી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારે ખોટા લેબલથી થતી જે નિકાસને પકડવામાં આવી હતી, તેમાંથી 97 ટકા નિકાસ યુએસમાં કરવામાં આવી રહી હતી.
યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 145 ટકા સુધીની રેસિપ્રોકલ ટેરિફ લાદી છે, જેની તુલનાએ સાઉથ કોરિયામાંથી થતી નિકાસ પર હાલમાં 10 ટકાની બેઝલાઇન ડયુટી જ લાગે છે, કારણ કે ચીન સિવાયના દેશો પર લાદવામાં આવેલી રેસિપ્રોકલ ટેરિફનો અમલ 90 દિવસ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. આથી ડયુટીમાં આ જંગી તફાવતનો લાભ ઉઠાવી યુએસમાં નિકાસ કરવા માટે ચીનની કંપનીઓ હાલમાં તેમના ઉત્પાદનો પહેલા સાઉથ કોરિયા મોકલે છે અને તેની પર મેઇડ ઇન કોરિયા લેબલ લગાવીને આ નિકાસ કોરિયાથી થતી હોય એવું દર્શાવી યુએસમાં આ ઉત્પાદનની નિકાસ કરે છે, એવું ધ્યાન પર આવ્યું છે. ઉદાહરણ તરીકે રિચાર્જેબલ બેટરિના ઉત્પાદનમાં વપરાતા ચાઇનીઝ ઇલેક્ટ્રોડની આ પ્રકારે યુએસમાં નિકાસ કરવામાં આવી છે. આવી જ રીતે સર્વેલન્સ કેમેરાની પાર્ટ્સની પણ નિકાસ કરાય છે. ચીની કંપનીઓની આ ગેરરીતિ પકડી પાડયા પછી કોરિયાના કસ્મટ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે આના કારણે સમગ્ર વિશ્વના બજારમાં કોરિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ ઊભો થાય છે અને સ્થાનિક ઉત્પાદનો સામે પણ જોખમ ઊભું થાય છે કારણ કે સ્થાનિક ઉત્પાદનોને પણ શંકાની નજરથી જોવામાં આવે છે. આથી આ પ્રકારની ગેરરીતિને રોકવા અને તેની પર સિકંજો કસવા માટે કોરિયાના કસ્ટમ વિભાગે ખાસ ટીમની રચના કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સાઉથ કોરિયા અને યુએસ વચ્ચે પણ ટેરિફ અને ટ્રેડ ડિલ અંગે વાટાઘાટો ચાલી રહી છે અને તાજેતરમાં જ આ હેતુથી સાઉથ કોરિયાનું એક પ્રતિનિધીમંડળ યુએસની મુલાકાતે ગયું છે. આ વાટાઘાટોના એજંડામાં શિપબિલ્ડિંગ, એનર્જી અને ડિફેન્સ ક્ષેત્રે સહયોગ એ મુખ્ય બાબત છે.