જીએસટી કાઉન્સિલની 56મી મિટિંગ ટુંક સમયમાં યોજાવાની છે. આ બેઠકમાં બ્રોકર્સ, એજન્ટ અને ડિજિટલ પ્લેટફોર્મ જેવા ઇન્ટરમીડિયેટરીઝ તરીકે કામ કરતા બિઝનેસ દ્વારા અપાતી સેવાને નિકાસ તરીકે ગણવાની દરખાસ્ત છે.

આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તો આવી સેવાઓ પર જીએસટી નહીં લાગ. આના કારણે આ કક્ષામાં આવતા કારોબારને મોટી રાહત મળી શકે છે. આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે લો કમિટિ અંતિમ મંજૂરી આપે તે પછી જીએસટી કાઉન્સિલ દ્વારા પણ આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવે એવી શક્યતા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યા મુજબ આ દરખાસ્તનો ઉદ્દેશ ઇન્ટરમિડિયેટરી સર્વિસીસ પર જે 18 ટકા જીએસટી લાગે છે તેને રદ કરવાનો છે. આના કારણે ટેક્સટાઇલ્સ, કોમોડિટી ટ્રેડિંગ, આઇટી સર્વિસીસ જેવી ઇન્ટરમીડિયેટરી સર્વિસીસ ક્ષેત્રને મોટી રાહત થશે. લો કમિટિ દ્વારા આ દરખાસ્તને ટૂંક સમયમાં જ મંજૂરી આપવામાં આવે એવી ધારણા છે અને તે પછી જો જીએસટી કાઉન્સિલની આગામી મિટિંગમાં આ દરખાસ્તને મંજૂરી અપાય તો ભારતના ઇન્ટરમીડિયેટરી ક્ષેત્ર માટે આ નવી જોગવાઇ એક મોટો પરિવર્તનકારી ઘટનાક્રમ સાબિત થશે. હાલમાં જીએસટી એક્ટની સેક્શન 13 (8) (બી) અંતર્ગત જેમને સેવા આપવામાં આવતી હોય એવા ગ્રાહકો વિદેશમાં હોય તો પણ સેવા આપવાનું સ્થળ ભારત છે એમ ગણીને આવી સેવાઓ પર 18 ટકા જીએસટી લાગે છે. સંબંધિત દરખાસ્તમાં આ કલમની જોગવાઇને રદ કરવાનો પ્રસ્તાવ છે. આમ થવાથી આવી સેવા આપતી કંપનીઓને જીએસટી ભરવો નહીં પડે અને તેઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ ક્લેઇમ કરી શકશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ દરખાસ્ત ઇન્ટરમીડિયેટરી સેવાઓ પૂરી પાડતી ભારતીય કંપનીઓને તેમના સમકક્ષ વૈશ્વિક કંપનીઓની તુલનાએ કારોબાર માટે સમાન તકો પૂરી પાડશે. હાલમાં વિદેશી કંપનીઓ તેમને ભારતમાં જે જીએસટી ચુકવવો પડે છે તે પેટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરી શકતી નથી. આ પ્રકારે આર્થિક રાહત આપવા ઉપરાંત આ સુચિત જોગવાઇ હાલમાં આવા જીએસટીના ભંગ બદલ રૂ. 3,357 કરોડના વેરાની માંગણી કરતી જે શો-કોઝ નોટિસ જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવી છે તેનો પણ નિકાલ આવશે. આવી નોટિસો જેમને આપવામાં આવી છે એ કંપનીઓ મોટા ભાગે પોતાની સેવાઓ મોટા ભાગે વિદેશમાં સેવાઓ આપતી કંપનીને જ અપાઇ છે.

રાજ્યોને રજિસ્ટ્રેશન માટે નવા નિયમો લાગુ કરવા નાણાંપ્રધાન અનુરોધ કરશે

જીએસટી કાઉન્સિલની બેઠક વખતે કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારામન સેન્ટ્રલ જીએસટી ઓફિસર્સ દ્વારા તાજેતરમાં જીએસટી રજિસ્ટ્રેશન માટેના જે નવા અસરકારક ધારાધોરણો લાગુ કરવામાં આવ્યા છે તે મુજબ પોતાના ધારાધોરણોમાં સુધારો કરવા માટે વિવિધ રાજ્યોને અનુરોધ કરશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા એપ્રિલ મહિનામાં આ અંગેની સુચનાઓ જારી કરવામાં આવી હતી, જેની પાછળનો ઇરાદો જીએસટી રજિસ્ટ્રેશન કરતી વખતે અધિકારીઓ પોતાની વિવેકબુદ્ધિ વાપરી કોઇ મનમાની ન કરી શકે અને તમામ જગ્યા આ રજિસ્ટ્રેશનમાં એકરુપતા આવે એ છે. આ સુચના અનુસાર ફોર્મ જીએસટી રજિસ્ટ્રેશન 01માં જે દસ્તાવેજોની જરૂરિયાતો છે તેને કડકપણે વળગી રહેવાનું છે, કોઇ બિનજરૂરી પૂછપરછ કરવાની નથી અને સ્ટાન્ડર્ડ એપ્લિકેશનના કિસ્સામાં 7 દિવસમાં અને હાઇ રિસ્ક એપ્લિકેશન કે જેમાં ફિઝિકલ વેરિફિકેશન જરૂરી હોય એવા કિસ્સામાં 30 દિવસમાં અરજીનો નિકાલ કરવાની સમયમર્યાદા પણ લાગુ કરાઇ છે. આથી નાણાપ્રધાન રાજ્યોને પણ આ પ્રકારના નિયમો લાગુ કરવા સુચના આપશે. કેન્દ્ર સરકાર દ્વારા આ નવા નિયમો અમલી બનાવવામાં આવ્યા તે પછી તેને સારો પ્રતિસાદ મળ્યો છે અને જીએસટી રજિસ્ટ્રેશનની સંખ્યામાં સારો વધારો થયો છે.