કોરોમન્ડલ ઇન્ટરનેશનલ, પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ, નાયકાની માલિકીની એફએસએન ઇ કોમર્સ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ એમએસસીઆઇ ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ થવા માટેના પ્રબળ દાવેદાર છે.

એવી આગાહી નુવામા ઓલ્ટરનેટિવ રિસર્ચે એક રિપોર્ટમાં કરી છે. એમએસસીઆઇ ગ્લોબલ ઇન્ડેક્સમાં કરવામાં આવનારા ફેરફારની જાહેરાત 14મી મેના રોજ કરવામાં આવશે અને આ ફેરફાર 30મી મેથી અમલી બનશે. એમએસસીઆઇ કોઇ પણ ઇન્ડેક્સમાં કોઇ શેરને સમાવિષ્ટ કરવા માટે જે મેથડ અપનાવે છે તે મુજબ પાત્રતા નક્કી કરવા માટે કટ ઓફનો સમયગાળો એપ્રિલ મહિનાના છેલ્લા 10 ટ્રેડિંગ સેશન હોય છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર

ફર્ટિલાઇઝર ક્ષેત્રની અગ્રણી કંપની કોરોમન્ડલ ઇન્ટરનેશનલના શેરમાં 2025માં અત્યાર સુધીમાં 14 ટકાનો વધારો નોંધાયો છે, જેની તુલનાએ નિફ્ટીમાં આ સમયગાળામાં 1 ટકાનો ઘટાડો થયો છે. જો આ શેરનો સમાવેશ કરવામાં આવે તો તેમાં 210 મિલિયન ડોલરનો નવો રોકાણનો પ્રવાહ આવી શકે છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો હોવા છતાં વન 97 કોમ્યુનિકેશન્સ પણ ઉમેરા માટેનું પ્રબળ દાવેદાર છે અને જો તેનો ઉમેરો થાય તો તેમાં 209 મિલિયન ડોલરનું નવું રોકાણ આવી શકે છે.

એફએસએન ઇ કોમર્સ અને અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં 2025માં અત્યાર સુધીમાં અનુક્રમે 16 ટકા અને 11 ટકા જેટલો વધારો નોંધાયો છે. આથી તેઓ પણ ઉમેરા માટેના પ્રબળ દાવેદાર છે. જો ઉમેરો થાય તો આ બન્ને શેરોમાં પણ 178 મિલિયન ડોલર જેટલું નવું રોકાણ આવી શકે છે.

થર્મેક્સ અને સોના બીએલડબ્લ્યુ પ્રિસિઝનમાં 2025માં અત્યાર સુધીમાં અનુક્રમે 25 ટકાનો અને 17 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ બન્નેને સંભવતપણે આ ઇન્ડેક્સમાંથી બાકાત કરવામાં આવે એવી શક્યતા છે. જો આમ થાય તો થર્મેક્સમાંથી 162 મિલિયન ડોલર અને સોના બીએલડબ્લ્યુ પ્રિસિઝનમાંથી 111 મિલિયન ડોલરનું રોકાણ પરત ખેંચવામાં આવે એ શક્ય છે.