દેશમાં કાર્યરત ક્રેડિટ બ્યુરોએ ક્લાયન્ટ મેપિંગ માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મંજૂરી માંગી છે.

ક્રેડિટ રિપોર્ટિંગ સિસ્ટમની અસરકારકતા વધારી શકાય અને આ રિપોર્ટ એકદર ચોક્કસ રહે તે માટે આ મંજૂરી માંગવામાં આવી છે. આ માટે આરબીઆઇ સમક્ષ કરવામાં આવેલા વિગતવાર પ્રેઝન્ટેશનમાં એમ જણાવવામાં આવ્યું હતું કે આધાર કાર્ડ યુનિક આઇડેન્ટિફિકેશનની જે ખાસિયત ધરાવે છે તેના કારણે ક્રેડિટ માર્કેટનું કામકાજ બહુ સરળ બની જાય એવી શક્યતા છે અને આઇડેન્ટિટીની ચોરી કરીને જે કૌભાંડ આચરવામાં આવે છે તેને રોકી શકાય એમ છે.

આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા ક્રેડિટ બ્યુરો ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું કે ક્રેડિટ હિસ્ટ્રીની જાણકારી મેળવવા માટે બીજાની આઇડેન્ટિટી વાપરીને થતી છેતરપિંડીને રોકવા માટે આધાર કાર્ડ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આધારના ઉપયોગથી જે માહિતી મળે તેનો ઉપયોગ કરીને ક્રેડિટ બ્યુરો વધુ વિશ્વસનીય રિપોર્ટ અને સ્કોર આપી શકે છે. આના કારણે ધિરાણ આપતી બેંકો અને સંસ્થાઓ વધુ સારી રીતે માહિતી આધારિત નિર્ણય લઇ શકે છે. હાલમાં ક્રેડિટ બ્યુરો આ માટે પેન નંબર, પેન નંબર ન ધરાવતા હોય એવા વ્યક્તિના કિસ્સામાં સેલ્ફ ડિકલેરેશન ફોર્મ નંબર 60 અને આઇડેન્ટિફિકેશન પ્રુફ તરીકે મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ક્રેડિટ મેપિંગ કરે છે. હવે જ્યારે ઇનકમ ટેક્સ એક્ટ અંતર્ગત પેન નબર અને આધાર કાર્ડને લિંક કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે ત્યારે ક્રેડિટ બ્યુરો તેમની પ્રક્રિયા વધુ સરળ બને તે માટે સિંગલ આઇડેન્ટિફાયર તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરવા માંગે છે. જો આમ કરવાની છુટ આપવામાં આવે તો ક્રેડિટ રિપોર્ટિંગની પ્રક્રિયા એકદમ સરળ બને અને તેની અસરકારકતા પણ નોંધપાત્ર પ્રમાણમાં વધી જાય એવો મત આ બ્યુરો ધરાવે છે. જોકે ધિરાણ આપતી બેંકો ક્રેડિટ બ્યુરોના નિષ્ણાતોના આ મત સાથે સહમત નથી. તેમના મતે ક્રેડિટ રિપોર્ટિંગમાં જે ભૂલો થાય છે તે ક્રેડિટ બ્યુરો સાથે સંકળાયેલો ઓપરેટિંગ ઇશ્યુ છે.

રજૂઆતના મહત્ત્વના અંશો

હાલમાં ક્રેડિટ બ્યુરો આ માટે પેન નંબર, પેન નંબર ન ધરાવતા હોય એવા વ્યક્તિના કિસ્સામાં સેલ્ફ ડિકલેરેશન ફોર્મ નંબર 60 અને આઇડેન્ટિફિકેશન પ્રુફ તરીકે મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ક્રેડિટ મેપિંગ કરે છે

ક્રેડિટ બ્યુરો તેમની પ્રક્રિયા વધુ સરળ બને તે માટે સિંગલ આઇડેન્ટિફાયર તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરવા માંગે છે

આવી છુટ અપાય તો ક્રેડિટ રિપોર્ટિંગની પ્રક્રિયા એકદમ સરળ બને અને તેની અસરકારકતા પણ નોંધપાત્ર પ્રમાણમાં વધી જાય

ક્રેડિટ હિસ્ટ્રીની જાણકારી મેળવવા માટે બીજાની આઇડેન્ટિટી વાપરીને થતી છેતરપિંડીને રોકવા માટે આધાર કાર્ડ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.