યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 60 દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી તેને પગલે વૈશ્વિક અનિશ્ચીતતાના કારણે ક્રૂડની માંગ ઘટવાની ભીતિ છે ત્યારે ઓઇલનું ઉત્પાદન કરતાં દેશોના સંગઠન ઓપેકે અગાઉ કરેલી જાહેરાતથી વધુ પ્રમાણમાં ઉત્પાદન વધારવાની જાહેરાત કરતા ક્રૂડના ભાવમાં કડાકો બોલ્યો હતો.
ઓઇલના ભાવમાં બેન્ચમાર્ક ગણાતા બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ આજે ઇન્ટ્રા ડેમાં 2.29 ડોલર એટલે કે 3.3 ટકા ઘટીને પ્રતિ બેરલ 67.85 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (ડબ્લ્યુટીઆઇ) ફ્યુચર્સ પણ 2.32 ડોલર એટલે કે 3.5 ટકા ઘટીને પ્રતિ બેરલ 64.63 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો.
આ સાથે આ બન્ને ક્રૂડ ફ્યુચર્સમાં સાપ્તાહિક ધોરણે છેલ્લા છે મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે અગાઉ કોરોના મહામારી પછીની સ્થિતિમાં ક્રૂડના ભાવમાં આટલો ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન અગાઉ ઓપેકે માર્ચ મહિનામાં ઓઇલના ઉત્પાદનમાં મે મહિનાથી પ્રતિ દિન 1,35,000 બેરલનો વધારો કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે આ સંગઠને આના બદલે પ્રતિ દિન ઉત્પાદનમાં 4,11,00 બેરલનો વધારો કરવાની જાહેરાત કરી છે. ક્રૂડની માંગમાં ઘટાડો થવાની ભીતિ વચ્ચે ઉત્પાદનમાં વધારાની આ જાહેરાતે ક્રૂડમાં મંદી છેવાઇ હતી.
યુએસ દ્રારા ઓઇલ અને ગેસની આયાતને રેસિપ્રોકલ ટેરિફમાંથી મુક્તિ અપાઇ છે પણ ટેરિફમાં આ વધારાથી ફુગાવાનો દર વધશે, અર્થતંત્રનો વૃદ્ધિદર ઘટશે અને ટ્રેડને લગતા વિવાદોમાં પણ વધારો થશે એવી ભીતિએ ક્રૂડમાં ઘટાડાની ચાલ જોવા મળી છે એમ નિષ્ણાતો જણાવે છે.