એપ્રિલ, 2024માં પોતાના સગાના લગ્નમાં હાજરી આપવા વાયા દિલ્હી થઇને યુએઇથી કેરળ જતા એક એનઆરઆઇ પરિવારની 17 વર્ષીય સગીરાના ગળામાં રહેલી સોનાની બે ચેઇન કસ્ટમ વિભાગે ગેરકાયદે આયાત ગણીને જપ્ત કરી હતી.
આના સંદર્ભમાં પિતાએ મે, 2024માં લખેલા પત્રના જવાબમાં કસ્ટમ વિભાગે નવેમ્બર, 2024માં જણાવ્યું હતું કે જો આ ચેઇન છોડાવવા માંગતા હોય તો રૂ. 72,000ના દંડ ઉપરાંત પ્રતિ દિન રૂ. 250નો વેરહાઉસિંગ ચાર્જ ભરવો પડશે. આથી એનઆરઆઇએ દિલ્હી હાઇકોર્ટમાં કેસ દાખલ કરતા હાઇકોર્ટે કસ્ટમ વિભાગની ઝાટકણી કાઢી હતી અને કોઇ પણ ચાર્જ વગર બન્ને ચેઇન પરત કરવા આદેશ કર્યો હતો.
યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)થી 9 એપ્રિલ, 2024ના રોજ ભારત આવેલી એક 17 વર્ષીય સગીરાના ગળામાં રહેલી સોનાની બે ચેઇન કસ્ટમ ડિપાર્ટમેન્ટે દિલ્હીના એરપોર્ટ પરથી જપ્ત કરી હતી. આ સગીરા પોતાના માતા પિતા સાથે કેરળમાં એક લગ્નમાં હાજરી આપવા માટે ભારત આવી હતી અને તે યુએઇથી કેરળ વાયા દિલ્હી જઇ રહી હતી. આ સગીરાએ કોઇ ડેકલેરેશન ફોર્મ ભર્યા વગરે જેવી ગ્રીન ચેનલ પસાર કરી તે પછી આ ચેઇન જપ્ત કરાવમાં આવી હતી. તેણે જે બે સોનાની ચેઇન પહેરી હતી તેની શુદ્ધતા 937 હતી અને તેનું કુલ વજન 49 ગ્રામ હતું. સગીરાએ કસ્ટમ વિભાગના ડિકલેરેશન ફોર્મમાં આ બન્ને ચેઇનની વિગતો જાહેર કરી ન હોવાથી તેને જપ્ત કરવામાં આવી હતી. તે પછી સગીરાના પરિવારને જવા દેવામાં આવ્યો હતો.
યુએઇથી દિલ્હીના એરપોર્ટ પર ઉતરેલો પરિવાર આમ તો ભારતીય નાગરિકતા ધરાવતો હતો અને જ્યારે ચેઇન જપ્ત કરવામાં આવી ત્યારે તેમની પાસે યુએઇના નિવાસી હોવાના આઇડી સાથે પુરાવા હતા. પુત્રી સગીરા હોવાથી તેના પિતાને તેની સાથે રહેવાની છુટ આપવામાં આવી હતી અને સોનાની બન્ને ચેઇનો જપ્ત કરવામાં આવી ત્યારે તેના પિતાએ દલીલ કરતાં જણાવ્યું હતું કે તેમની પુત્રી બાળપણથી જ આ બન્ને ચેઇન પહેરે છે અને તેઓ કેરળમાં સગાના લગ્નમાં હાજરી આપવા માટે ભારત આવ્યા છે. આ પછી સગીરાના પિતાએ કસ્ટમ વિભાગને મે, 2024માં એક પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ આ સોનાને ફરી પાછી યુએઇમાં નિકાસ કરવા તૈયાર છે. આના જવાબમાં કસ્ટમ વિભાગે નવેમ્બર, 2024માં એક આદેશ આપી જણાવ્યું હતું કે તેઓ આવી રીતે રિ-એક્સપોર્ટ કરી શકે છે પરંતુ તેના માટે તેમને પહેલા રૂ. 40,000નો દંડ, બીજો રૂ. 32,000નો વધારાનો દંડ અને ચેઇનના વેરહાઉસિંગ ચાર્જ પેટે પ્રતિ દિનના રૂ. 250 ચુકવવા પડશે. કસ્ટમ વિભાગે સોનાની બે ચેઇન સગીરા દ્રારા ભારતમાં લાવવામાં આવી તેને ગેરકાયદે આયાત ગણીને આ પ્રકારનો દંડ ભરવા માટેનો આદેશ નવેમ્બર, 2024માં આપ્યો તે પછી સગીરાના પિતાએ દિલ્હીની હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન દલીલો સાંભળ્યા પછી દિલ્હી હાઇકોર્ટે એક આદેશ આપી કસ્ટમ વિભાગના દંડ ફટકારતા આદેશને રદ કર્યો હતો અને વિભાગની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે આ પ્રકારે અંગત ઉપયોગ માટે લેવાતા ઘરેણાં કસ્ટમ વિભાગ કાયદા મુજબ જપ્ત કરી શકે નહીં. વધુમાં આ કેસમાં વિભાગે શો કોઝ નોટિસ પણ જારી કરી નથી કે ભોગ બનનારને રૂબરુમાં રજુઆત કરવાની તક પણ આપવામાં આવી નથી. આવા અવલોકન સાથે દિલ્હી હાઇકોર્ટે 10 માર્ચ, 2025ના રોજ ભોગ બનનાર પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કસ્ટમ વિભાગને કોઇ પણ પ્રકારનો ચાર્જુ વસુલ કર્યા વગર બન્ને ચેઇનો એનઆરઆઇને પરત કરવા આદેશ આપ્યો હતો. દિલ્હી હાઇકોર્ટના આ આદેશ બાદ કસ્ટમ વિભાગે 27 માર્ચે એક સોગંદનામું કરીને હાઇકોર્ટને જણાવ્યું હતું કે બેગેજ રુલ્સ, 2016માં જરૂરી સુધારા કરવામાં આવે ત્યારે સુધી આ પ્રકારના બનાવ ન બને તે માટે વિભાગ દ્રારા કેટલાંક વચગાળાના પગલાં લેવામાં આવશે.