યુકે સાથેનું ટ્રેડ ડિલ થવામાં વર્ષોનો વિલંબ થયો છે. અગાઉ યુકેના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્શને આ ડિલ માટે 2022ની દિવાળીની સમયમર્યાદા નક્કી કરી હતી.
તે પછી સત્તા પર આવેલા ભારતીય મૂળના યુકેના તત્કાલિન વડાપ્રધાન રિશી સુનાકે પણ ડિલ પાર પાડવા પ્રયત્ન કર્યો હતો. અંતે આ ડિલ 6 મે, 2025ના રોજ થયું છે, જેના માટે યુએસએ લાદેલી રેસિપ્રોકલ ટેરિફનો ભય અને ચીન સામે પશ્ચિમી દેશોમાં વધતો વિરોધ જવાબદાર છે. ભારતે કોઇ પણ પશ્ચિમી દેશ સાથે સર્વગ્રાહી ડિલ કર્યું હોય એવી આ પ્રથમ ઘટના છે. અગાઉ ભારતે ઓસ્ટ્રેલિયા સાથે આ પ્રકારનું આંશિક ડિલ કર્યું હતું, પરંતુ તેને તમામ ક્ષેત્રો માટેનું સર્વગ્રાહી ડિલ બનાવવા માટેના પ્રયત્નો હજી પણ પૂરા થયા નથી. યુકે સાથેના આ ડિલના કારણે ભારત હવે યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડિલ કરવા માટેની વાટાઘાટો કરવા માટે લાભદાયક સ્થિતિમાં છે. યુકે સાથેનું આ ટ્રેડ ડિલ ખાસ કરીને ભારતના સર્વિસ સેકટર માટે અત્યંત મહત્ત્વનું છે, કારણ કે યુકેના કુલ આઉટપુટમાં સર્વિસ સેકટરનો હિસ્સો ઘણો મોટો છે અને યુકેના સર્વિસ સેકટર સાથે ભારતના સર્વિસ સેકટરનું સંકલન હવે આ ટ્રેડ ડિલને કારણે મજબૂત બનતા ભારતના સેવા ક્ષેત્રની વૃદ્ધિને મોટું ઇંજન પ્રાપ્ત થશે,
ભારતના શરાબના શોખીનોને ભાવમાં રાહત નહીં મળે
યુકે સાથેના ટ્રેડ ડિલમાં જીન અને વ્હિસ્કીની આયાત પરની ડયુટી 150 ટકાથી ઘટાડીને 75 ટકા કરવામાં આવી હોવા છતાં ભારતના શરાબના શોખીનોને આ રાહતના કારણે ઓછા ભાવે શરાબ મળે એવી શક્યતા ઓછી છે, કારણ કે વિવિધ રાજ્યો દ્રારા શરાબના વેચાણ પર લાદવામાં આવતી એક્સાઇઝ ડયુટી અને ઉત્પાદક કંપનીઓ દ્રારા ડયૂટીમાં રાહતનો લાભ ગ્રાહકને પાસ ઓન નહીં કરવાની નીતિ વેચાણ ભાવમાં ઘટાડો નહીં કરે એમ નિષ્ણાતો માને છે. ભારતમાં હાલમાં શરાબની આયાત ત્રણ પ્રકારે કરવામાં આવે છે. પ્રથમ તો યુકેમાં જ પેક થયેલી બોટલની આયાત કરવામાં આવે છે. આ કિસ્સામાં રાજ્ય સરકાર દ્રારા લદાતી એક્સાઇઝ ડયુટી વેચાણ ભાવમાં ઘટાડાની આડે અવરોધક બનશે. બીજા પ્રકારમાં શરાબની જથ્થાબંધ આયાત કરાય છે અને બ્લેન્ડિંગ કરતી ભારતીય કંપનીઓ આ આયાતી શરાબનો ઉપયોગ લોકલ બ્રાન્ડ માટે કરે છે. આવી કંપનીઓ ખૂબ ઓછા નફાના ગાળા સાથે શરાબનું વેચાણ કરે છે. આથી તેઓ ગ્રાહકોને લાભ ન આપે એ શક્ય છે. ત્રીજા પ્રકારમાં આયાત કરીને શરાબનું ભારતમાં બોટલમાં પેકિંગ થાય છે. ભારતમાં આવી બ્રાન્ડના ભાવ વૈશ્વિક બ્રાન્ડોની તુલનાએ ઘણા ઓછા છે, આથી આવી બ્રાન્ડના વેચાણના ભાવમાં ઘટાડો કરવો ઉત્પાદક કંપનીઓ માટે જરૂરી નથી. આથી ટ્રેડ ડિલમાં ડયુટીમાં ઘટાડો કરવામાં આવ્યો તેના કારણે હવે શરાબના શોખીનનો જે એક માત્ર લાભ થવાનો છે તે એ છે કે હવે તેમને બ્રિટિશ બ્રાન્ડની પસંદગી કરવા માટે એક મોટી રેંજ મળશે. ઉલ્લેખનીય છે કે વિદેશમાંથી જે વ્હિસ્કીની જથ્થાબંધ આયાત કરવામાં આવે છે તેનો ઉપયોગ ભારતીય વ્હિસકીમાં બ્લેન્ડિંગ કરવા માટે થાય છે. ભારતીય બ્રાન્ડની સામાન્ય વ્હિસ્કીમાં વિદેશથી આયાત થયેલી આવી વ્હિસકીનું પ્રમાણ 2થી 3 ટકા જેટલુ હોય છે, જ્યારે પ્રિમિયમ બ્રાન્ડમાં આ પ્રમાણ વધારીને 30 ટકા સુધી કરાય છે. આથી આવી બ્રાન્ડને ઇન્ડિયન મેડ ફોરેન લિકર (આઇએમએફએલ) તરીકે પણ ઓળખવામાં આવે છે.