• સંરક્ષણ ક્ષેત્ર બજેટથી નિરાશ થતાં ઈન્વેસ્ટર્સ દ્વારા પ્રોફિટ બુકિંગ

  • હાલ સંરક્ષણ ક્ષેત્રના શેરોમાં લાંબા ગાળા માટે રોકાણની તક : નિષ્ણાતો
  • ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સના શેરમાં 28.2 ટકાનો ઘટાડો થયો છે

ગત 23મી જૂલાઈના રોજ વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું તે દિવસથી ડિફેન્સ ક્ષેત્રના શેરોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

જેમ કે, બજેટના દિવસથી અત્યાર સુધીમાં ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સના શેરમાં 28.2 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે કોચિન શીપયાર્ડના સ્ટોક પ્રાઈઝમાં 24.7 ટકાની પીછેહઠ થઈ છે. આ યાદીમાં બીઈએમએલ અને મિશ્રા ધાતુ નિગમ તેમજ ડીસીએક્સ સિસ્ટમ્સ પણ આવે છે. જેમના શેર મૂલ્યમાં 23મી જૂલાઈ બાદથી અત્યાર સુધીમાં અનુક્રમે 17.2 ટકા, 18 ટકા, 11.4 ટકાનો ઘટાડો થયો છે. જેની સરખામણીએ બેન્ચમાર્ક નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 50માં 23મી જૂલાઈ બાદથી અત્યાર સુધીમાં 2.7 ટકાનો વધારો થયો છે.

બજેટમાં નાણાં પ્રધાન તરફથી સંરક્ષણ ક્ષેત્ર માટેની ફાળવણીમાં વધારો કરવામાં નહીં આવ્યો હોવાથી રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અલબત્ત ડિફેન્સના સ્ટોક્સમાં ઘટાડાની આ સ્થિતિ લાંબા ગાળા માટે રોકાણ કરવાની તક સમાન છે. નિષ્ણાતોનું માનવું છે કે, સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું તે પહેલાં સરકાર દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વચગાળાના બજેટને કારણે ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સ ઓવરવેલ્યૂડ થઈ ગયા હતા. જેથી તેમાં કરેક્શન જરૂરી હતું. ઊંચા વેલ્યૂએશનને કારણે નજીકના સમયમાં પણ સંરક્ષણ ક્ષેત્રના શેરો નિયંત્રણમાં રહે તેવી શકયતા છે. હાલ રોકાણકારો લાંબા ગાળા માટે આ સ્ટોક્સની ખરીદી કરી શકે છે, એમ માસ્ટર કેપિટલ સર્વિસિસના ડિરેક્ટરે જણાવ્યું હતું.


  • Follow us on: