ભારતમાં આલ્ફાન્ઝો કેરીને કેરીનો રાજા ગણવામાં આવે છે, પરંતુ વિદેશના બજારોમાં કેસર કેરીએ આ સ્થાન આલ્ફાન્ઝો કેરી પાસેથી છીનવી લીધું છે.


કારણ કે છેલ્લા બે નાણાકીય વર્ષમાં કેસર કેરીની નિકાસ આલ્ફાન્ઝો કેરી કરતા વધી ગઇ છે. એટલું જ નહીં ચૌસા, દશેરી, તોતાપૂરી સહિતની કેરીની અન્ય જાતોની માંગ પણ વિદેશી બજારમાં વધી છે, જ્યારે આલ્ફાન્ઝો કેરીની માંગમાં ઘટાડો થયો છે. કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલય પાસે ઉપલબ્ધ ડેટા મુજબ નાણાકીય વર્ષ 2021-22માં 10.1 મિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતી આલ્ફાન્ઝો કેરીની નિકાસ થઇ હતી, જે આંકડો 2024-25માં ઘટીને 8.6 મિલિયન ડોલર થયો છે. આનાથી વિપરીત આ જ સમયગાળામાં કેસર કેરીની નિકાસનો આંકડો 6.9 મિલિયન ડોલરથી વધીને 11.5 મિલિયન ડોલર થયો છે. ભારતીય કેરીની નિકાસ મોટા ભાગે યુએસ, યુકે, યુએઇ, સાઉદી અરેબિયા, કેનેડા, જર્મની, કુવૈત, ઓમાન, યમેન, નેધરલેન્ડ વગેરે જેવા દેશોમાં થાય છે અને આ તમામ દેશોમાં આલ્ફાન્ઝો કેરીની માંગ ઘટી છે અને કેસર કેરીની વધી છે. આવા ટ્રેન્ડ માટે વિદેશમાં વસતા ભારતીય નાગરિકોના સમુહમાં અને વિદેશની રિટેલ ચેઇન્સની માંગની પેટર્નમાં જે ફેરફાર થયો છે તે બાબત જવાબદાર છે. બીજી મોટું કારણ એ છે કે આલ્ફાન્ઝો સિવાયની અન્ય કેરીની જાતોની ઉપજ માટે વિદેશના ધારાધોરણોને અનુરૂપ થાય એવી પદ્ધતિ અપનાવવામાં આવતા તાજેતરના વર્ષોમાં જ આ જાતોની કેરીની નિકાસને છુટ આપવામાં આવી છે. આના કારણે પણ અન્ય જાતની કેરીની નિકાસ વધી છે. વધુમાં અન્ય કેરીની જાતો આલ્ફાન્ઝો કરતાં સસ્તી હોય છે. આથી આવી સસ્તી કેરી બજારમાં ઉપલબ્ધ બને ત્યારે આલ્ફાન્ઝો જેવી મોંઘી કેરીની માંગ ઘટે એ સ્વભાવિક છે.


  • Follow us on: