તાજેતરમાં સોનાના ભાવમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે અને વર્ષ 2025માં જ સોનાના ભાવમાં 27 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે તેના કારણે ઘરેણાંની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
જ્વેલરી માર્કેટ માટે મુખ્ય માંગ લગ્નસરાની ખરીદીને કારણે હોય છે પરંતુ આ વર્ષે લોકોએ ઘરેણાંની ઓછી ખરીદી કરવાનો અને ઓછું વજન ધરાવતી જ્વેલરી ખરીદવાનું જ પસંદ કર્યું હોવાથી વેચાણમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે અખાત્રીજના દિવસે સોનાના ઘરેણાનું સૌથી વેચાણ થતું હોય છે, પરંતુ ભાવ અત્યંત ઊંચા ગયો હોવાથી આ વર્ષે અખાત્રીજના દિવસે પણ વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે એવી શક્યતા છે. આ વર્ષે અખાત્રીજ 30 એપ્રિલે છે. સોમવારે અમદાવાદના સ્થાનિક બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 99,500ની વિક્રમી ટોચે પહોંચ્યો હતો. હાલમાં સોનાના જેવા ભાવ છે તેને ધ્યાનમાં રાખતા આ વર્ષે અખાત્રીજે જથ્થાની દ્રષ્ટિએ સોનાનું વેચાણ પાછલા વર્ષ જેટલું થાય એવી શક્યતા સાવ ઓછી છે, પરંતુ સોનાના ઘરેણાનું વેચાણ તો નોંધપાત્ર પ્રમાણમાં થશે એવી આશા વ્યક્ત કરતાં નિષ્ણાતો જણાવે છે કે સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે હોવાથી લોકોને હવે ખરીદી પોષાય એમ નથી અને એના કારણે હવે લગ્નસરાની ખરીદીમાં પણ લોકો ઓછું વજન ધરાવતા ઘરેણાંની ખરીદી કરી રહ્યા છે.
