- આંખ ઉઘાડનારા આંકડા । હોસ્પિટલના બિલ ચૂકવવા કરવી પડતી ઉધારી
- રિએમ્બર્સમેન્ટ પદ્ધતિ આર્થિક રીતે નુકસાનકારક, કેશલેસ દાવા વધારવા જ એકમાત્ર ઉકેલ
- 70% વીમાધારકોના મતે કેશલેસ ઉપલબ્ધ ન હોય ત્યારે ઉધારી કે બચતમાંથી ખર્ચ કરવાની પડતી ફરજ
વીમા કવરેજમાં વધારો છતાં હજુ પણ ભારતમાં લગભગ 47 ટકા આરોગ્ય ખર્ચ માટે હેલ્થ વીમાધારકોએ પોતાના ખિસ્સામાંથી ચૂકવણી કરવી પડે છે. જૈ વૈશ્વિક સરેરાશ 18 ટકા કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.
આ સમસ્યાનો એક જ ઉકેલ છે કે, કેશલેસ દાવાના પ્રમાણને વધારવામાં આવે. કેમ કે, એક સર્વેમાં 70 ટકા લોકોએ જણાવ્યું હતું કે, જો કેશલેસ ક્લેઈમ ઉપલબ્ધ ન હોય તેવી સ્થિતિમાં તેમને ઉછીના રૂપિયા લેવાની કે પોતાની બચતમાંથી ખર્ચ કરવાની ફરજ પડે છે. તાજેતરમાં આઈઆરડીઆઈએ પણ આ દિશામાં જ પગલાં ભર્યા છે. કેમ કે, રિઈમ્બર્સમેન્ટ પદ્ધતિ અપનાવનારા પોલિસીધારકોને રડવાનો જ વારો આવ્યો છે. પોલિસીહોલ્ડર્સ વચ્ચે કેશલેસ સારવાર પસંદગીનો વિકલ્પ છે, પણ ઘણી વીમા કંપનીઓ આ સુવિધા ઉપલબ્ધ નહીં કરાવતી હોવાની ફરિયાદ ઉઠી છે. સર્વે મુજબ, 12 ટકા રિઈમ્બર્સમેન્ટ દાવેદારો આ પ્રકારની કાર્યપદ્ધતિથી અસંતુષ્ય જણાયા હતા, જ્યારે કેશલેસ દાવેદારોમાં આ પ્રમાણ ખૂબ ઓછું, માત્ર ચાર ટકા જોવા મળ્યું છે. એટલે કે, કેશલેસ ક્લેઈમ લેનારા 89 ટકા દાવેદારો સંતુષ્ટ જણાયેલ, જ્યારે રિઈમ્બર્સમેન્ટ ક્લેઈમ લેનારા 79 ટકા હોલ્ડરે સંતોષ વ્યક્ત કર્યો કરેલ. ઉપરાંત રિઈમ્બર્સમેન્ટ ક્લેઈમ હેઠળ ત્રણમાંથી બે વીમાધારકો મેડિકલ ખર્ચને પહોંચીવળવા અક્ષમ જણાયા છે. સર્વેમાં એવી હકીકત સામે આવી છે કે, રિઈમ્બર્સમેન્ટ પદ્ધતિ દ્વારા દાવાની પતાવટ કરનારા વીમાધારકોને આરોગ્ય ખર્ચને પહોંચીવળવા ઉધાર નાણાં લેવા પડે છે અથવા પોતાની સેવિંગ તોડવી પડે છે. મોજણીમાં એવી વિગત સામે આવી છે કે, રિઈમ્બર્સમેન્ટ પદ્ધતિ અપનાવનારા 68 ટકા દાવેદારો પાસે મેડિકલ ખર્ચને પહોંચીવળવા પૂરતી બચત ઉપલબ્ધ ન હતી. એટલું જ નહીં જ્યારે સારવારનો ખર્ચ રૂ.એક લાખથી વધી જાય છે ત્યારે ઉધાર લેવાનું પ્રમાણ પણ વધી જાય છે. ખાસ કરીને નાના શહેરોમાં આ વલણ વધુ જોવા મળ્યું છે.










