માર્ચ મહિના પછી હવે એપ્રિલ મહિનામાં પણ એફપીઆઇ છેલ્લા દિવસોમાં ભારતીય શેરબજારમાં નેટ લેવાલી કરી રહી છે.
પરંતુ સપ્ટેમ્બર, 2024માં ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકો સેન્સેક્સ અને નિફ્ટએ વિક્રમી ટોચ બનાવી તે પછી ઓક્ટોબર, 2024થી એફપીઆઇએ શરૂ કરેલી જંગી વેચવાલીને કારણે ભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ મંદી જોવા મળી હતી. મંદીના આ તબક્કા દરમિયાન ડીઆઇઆઇએ સતત નેટ લેવાલી ચાલુ રાખી હતી, જેના પરિણામસ્વરૂપે નિફ્ટી 500 ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાં ડીઆઇઆઇનું હોલ્ડિંગ હાલમાં તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. એટલું જ નહીં, 2025ના જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળા દરમિયાન આ કંપનીઓમાં ડીઆઇઆઇનું એફપીઆઇ કરતાં પણ વધી ગયું છે અને આવી સ્થિતિ પહેલી વાર સર્જાઇ છે.
યુએસના બોન્ડની ઉપજ વધતાં અને યુએસ ડોલર મજબૂત બનતા 2024-25ના ચોથા ત્રિમાસિક ગાળામાં એફપીઆઇએ ભારતીય શેરબજારમાં 13 અબજ ડોલર એટલે કે આશરે રૂ. 1.11 લાખ કરોડની નેટ વેચવાલી કરી હતી. બીજી તરફ આ જ સમયગાળામાં ડીઆઇઆઇએ ભારતીય શેરબજારમાં રૂ. 1.89 લાખ કરોડની નેટ લેવાલી કરી હતી. સમગ્ર નાણાકીય વર્ષ 2024-25ની વાત કરીએ તો આ વર્ષમાં એફપીઆઇએ 14.4 અબજ ડોલર એટલે કે રૂ. 1.27 લાખ કરોડની નેટ વેચવાલી કરી હતી, જેની તુલનાએ ડીઆઇઆઇએ રૂ. 6.07 લાખ કરોડની નેટ લેવાલી કરી હતી. પરિણામસ્વરૂપે 2024-25ના ચોથા ત્રિમાસિક ગાળામાં નિફ્ટી 500 ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 500 કંપનીઓમાં ડીઆઇઆઇનું હોલ્ડિંગ 8 બેસિસ પોઇન્ટ વધીને 18.11 ટકા થયું હતું, જ્યારે એફપીઆઇનું હોલ્ડિંગ 70 બેસિસ પોઇન્ટ ઘટીને 17.86 ટકા થયું હતું. એફપીઆઇના હોલ્ડિંગની આ ટકાવારી છેલ્લા 12 વર્ષની સૌથી નીચી સપાટી છે.
2024-25ના ચોથા ત્રિમાસિક ગાળામાં આ કંપનીઓમાં પ્રમોટર્સનો હિસ્સો પણ 49.56 ટકાથી ઘટીને 49.37 ટકા થયો છે. પ્રમોટર્સના આ હિસ્સાનું મૂલ્ય પણ 3.77 ટકા ઘટીને રૂ. 185.03 લાખ કરોડ થયું છે, જે ડિસેમ્બર ક્વાર્ટરને અંતે રૂ. 192.3 લાખ કરોડ હતું. એફપીઆઇ અને ડીઆઇઆઇ જેમાં સૌથી વધારે હોલ્ડિંગ ધરાવતી હોય એવી કંપનીઓમાં એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, આઇટીસી, ઇન્ફોસીસ અને ટીસીએસનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે 2024-25ના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકો 0.93 ટકા જેટલા ઘટયા હતા જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 15 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. આ જ સમયગાળામાં નિફ્ટી 500 કંપનીઓનું કુલ એમ કેપ પણ 3.4 ટકા ઘટીને રૂ. 374.77 લાખ કરોડ થયું હતું, જે ડિસેમ્બર ક્વાર્ટરને અંતે રૂ. 387.97 લાખ કરોડ હતું.