મિડલ ઇસ્ટમાં જીઓ-પોલિટિકલ ટેન્શન અને અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને અનિશ્ચિત સ્થિતિ પાછળ વૈશ્વિક બુલિયનમાં ધીમો સુધારો જોવા મળ્યો હતો.
તેના પગલે સ્થાનિક માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો. આ સાથે જ તહેવારોની ડિમાન્ડ સામાન્ય વધી હતી જેના કારણે ભાવ વધારાને ટેકો મળ્યો હતો. અમદાવાદ ખાતે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 500 વધીને રૂ. 81,500 થયું હતું. તેવી જ રીતે 22 કેરેટ સોનું રૂ. 81,300 પ્રતિ 10 ગ્રામ થયું હતું. ચાંદીના ભાવ રૂ. 500 ઊંચકાઈને રૂ. 97,500 પ્રતિ કિલો થયા હતા. આંતરરાષ્ટ્રીય હાજર સોનું 2,733 ડોલર સામે 15 ડોલર વધીને 2,748 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. તેમજ ચાંદી 33.46 ડોલર સામે 60 સેંટ વધીને 34.06 ડોલર થયું હતું. વાયદામાં MCX ઉપર સોનાનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 124 વધીને રૂ. 78,566 પ્રતિ 10 ગ્રામ થયો હતો. મકક્ષ ચાંદી ડિસેમ્બર વાયદો રૂ. 659 વધીને રૂ. 97,424 પ્રતિ કિલો થયો હતો. મંગળવારે મોડી સાંજે કોમેક્સ સોનું 7.60 ડોલર વધીને 2,763.50 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. કોમેક્સ ચાંદી 29.9 સેંટ વધીને 34.30 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહી હતી. બુલિયન વિશ્લેષકોએ કહ્યું કે, અમેરિકાની ઈકોનોમીમાં સુધારો જોવાઈ રહ્યો છે. બેરોજગારીના આંકડા પણ નીચા આવ્યા છે.










