સપ્ટેમ્બર, 2024ના અંતે ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકોએ વિક્રમી ટોચ બનાવી તે પછી ઓક્ટોબરથી મંદીનો દૌર શરૂ થયો હતો.

આ મંદીનો દૌર માર્ચના પ્રથમ સપ્તાહમાં તેની ચરમસીમાએ હતો જેને કારણે એ સમયે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ તેમની વિક્રમી ટોચથી 22થી 25 ટકા જેટલા ઘટીને બેર ફેઝમાં પ્રવેશ્યા હતા. જોકે તે પછી માર્ચના અંતિમ સપ્તાહમાં એફઆઇઆઇએ કરેલી જંગી લેવાલીને પગલે આ સુચકાંકો વધતાં હાલમાં તેઓ વિક્રમી ટોચથી 15 ટકા જેટલા નીચા છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આવી મંદીના કારણે આ કક્ષામાં આવતી કેટલીક કંપનીઓના પ્રમોટરોની મુશ્કેલી વધી છે અને તેમણે કંપનીના શેરો પ્લેજ કરીને લીધેલી લોનનું ચુકવણું કરવામાં નિષ્ફળ જતા લોન આપનારી સંસ્થાઓએ તેમના પ્લેજ કરેલા શેરોમાંથી કેટલોક હિસ્સો જપ્ત કર્યો હોવાના પણ અહેવાલ છે.

આવી રીતે જેમના શેર જપ્ત કરવામાં આવ્યા હોય એવી 15 જેટલી સ્મોલ કેપની આ અંગેની વિગતો ઉપલબ્ધ બની છે. જે પંદર કંપનીઓના શેર આ પ્રકારે જપ્ત કરવામાં આવ્યા છે તેમનું હાલનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 5 કરોડથી લઇને રૂ. 1,500 કરોડ જેટલું છે અને પહેલી ઓક્ટોબરથી અત્યાર સુધીમાં આ કંપનીઓના શેરના ભાવ 4.41 ટકાથી લઇને 190 ટકા સુધી ઘટયા છે.

વર્ષ 2024-25ના પ્રથમ છ મહિનામાં આ પ્રકારે પ્રમોટર્સના શેર લેન્ડર્સ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હોય એવી કંપનીઓ સંખ્યા 52 હતી, જે ઓક્ટોબર, 2024થી માર્ચ, 2025 સુધીના ગાળામાં વધીને 100 જેટલી થઇ છે. જોકે આ આંકડો એટલો બધો ચિંતાજનક નથી કારણ કે એપ્રિલથી સપ્ટેમ્બર, 2022ના સમયગાળામાં આ પ્રકારે કુલ 342 કંપનીઓના પ્લેજ તરીકે મુકેલા શેર જપ્ત કરવામાં આવ્યા હતા.