વિદેશી ટ્રેડર્સ નિફ્ટી 50માં જે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ કરે છે તેને સિંગાપોરના સ્થાને ખુદ ભારતમાં જ લાવવા માટે ગિફ્ટ સીટી દ્રારા બે વર્ષ પહેલા જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

તેમાં હજી સુધી જોઇએ એવી પ્રગતિ થઇ નથી, કારણ કે વિદેશી ટ્રેડર્સમાંથી મોટા ભાગના પડતર ખર્ચ અને લોજિસ્ટિકલ એડવાન્ટેજના કારણે સિંગાપોર એક્સચેન્જ પર જ આ ટ્રેડિંગ માટે આધાર રાખે છે. આ બે વર્ષના સમયગાળામાં ગિફ્ટી નિફ્ટીના ટ્રેડિંગમાં વોલ્યુમ આશરે બે ગણું વધીને કુલ ટ્રે.ડિંગના 33 ટકા જેટલું જ થયું છે, જે મોટા ભાગના ટ્રેડર્સ ગિફ્ટ નિફ્ટીના માધ્યમથી જ આ ટ્રેડિંગ કરે એવા મૂળ લક્ષ્યથી ઘણું ઓછું છે.

2023માં નેશનલ સ્ટોક એક્સચેન્જ અને સિંગાપોર એક્સચેન્જ એસજીએક્સ નિફ્ટીને ગિફ્ટ સીટી ખાતે કાર્યરત એનએસઇ ઇન્ટરનેશનલ એક્સચેન્જમાં ટ્રાન્સફર કરવા સહમત થયા હતા. ભારતના શેરબજારમાં રોકાણ કરવા માંગતા વિદેશી ટ્રેડર્સમાં એ સમયે એસજીએક્સ નિફ્ટી ખૂબ જ લોકપ્રિય હતો. જોકે હાલમાં સૂત્રો જણાવે છે કે હાલમાં પણ ગિફ્ટ નિફ્ટી તરીકે રિબ્રાન્ડ થયેલા એસજીએક્સ નિફ્ટીમાં જે ટ્રેડ થાય છે તેમાંથી મોટા ભાગના હજી પણ સિંગાપોર એક્સચેન્જના માધ્યમમાંથી જ થાય છે. જેના માટે ટ્રાન્ઝક્શનની ઊંચી પડતર કિંમત, ઓનબોર્ડિંગ માટેની આકરી શરતો અને સિંગાપોર એક્સચેન્જના પ્રસ્થાપિત ફાયનાન્સિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્રારા આપવામાં આવતો લોજિસ્ટિક્સ એડવાન્ટેજ જવાબદાર છે.

એનએસઇ ઇન્ટરનેશનલ એક્સચેન્જની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ ગિફ્ટ નિફ્ટીનું ટ્રેડિંગ વોલ્યુમ નાણાકીય વર્ષ 2023-24માં 611.95 અબજ ડોલર હતું તે વર્ષ 2024-25માં ફેબ્રુઆરી સુધીમાં વધીને 1.02 લાખ કરોડ ડોલર થયું છે. એવરેજ ડેઇલિ ટ્રેડિંગ વોલ્યુમ 2023-24માં 3.19 અબજ ડોલર હતું તે વર્ષ 2024-25માં ફેબ્રુઆરી સુધીમાં વધીને 4.26 અબજ ડોલર થયું છે. આ ટ્રેડિંગમાંથી કેટલા ટ્રેડ સીધા ગિફ્ટી સિટીમાંથી થયા અને કેટલા સિંગાપોર એક્સચેન્જમાંથી થયા તેના આંકડા ઉપલબ્ધ નથી.

જોકે આ ટ્રેડિંગ સાથે નજીકથી સંકળાયેલા સૂત્રોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યા મુજબ ગિફ્ટી નિફ્ટીમાં ટ્રેડિંગ શરૂ કરવામાં આવ્યું તે પછીના પ્રથમ વર્ષમાં આ ડેરિવેટિવ્ઝમાં જે સોદા થતાં હતા તેમાં એનએસઇ ઇન્ટરનેશનલ એક્સચેન્જના માધ્યમથી થતા સોદાનું પ્રમાણ 17 ટકા હતું, જ્યારે બાકીના 83 ટકા સોદા સિંગપોર એક્સચેન્જના માધ્યમથી થયા હતા. ત્યારપછી અત્યાર સુધીમાં એનએસઇ ઇન્ટરનેશનલ એક્સચેન્જ (એનએસઇ-આઇએક્સ)ના માધ્યમથી થતાં સોદાની ટકાવારી વધીને 33 ટકા થઇ છે, જ્યારે બાકીના 67 ટકા સોદા સિંગાપોર એક્સચેન્જ (એસજીએક્સ)ના માધ્યમથી જ થાય છે.

ગિફ્ટી નિફ્ટી એ એનએસઇ આઇએક્સની ફ્લેગશીપ પ્રોડક્ટ છે અને આના સોદામાં વોલ્યુમ વધ્યું નથી એ બાબત એનએસઇ દ્રારા હજી ટ્રેડર્સને આકર્ષવા માટે એનએસઇ આઇએક્સના માધ્યમથી થતા સોદાના વધુ સ્પર્ધાત્મક બનાવવાની જરૂર છે.ગિફ્ટ સિટી ખાતે કાર્યરત એક બ્રોકરેજ કંપનીના અધિકારીના જણાવ્યા મુજબ એનએસઇ આઇએક્સ અને એસજીએક્સ બન્નેના માધ્યમથી ગિફ્ટી નિફ્ટીમાં થતાં સોદા માટે રિટેલ ઇન્વેસ્ટર્સ અને પ્રોપરાઇટરિ ઇન્વેસ્ટર્સ બન્ને પાસેથી બન્ને એક્સચેન્જ સરખી ટ્રાન્ઝક્શન કોસ્ટ વસુલે છે, પરંતુ સોદાનું મૂલ્ય એક ચોક્કસ હદથી વધારે હોય તો એસજીએક્સ દ્રારા આ કોસ્ટમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આના કારણે વિદેશી ટ્રેડર્સ એનએસઇ આઇએક્સને બદલે એસજીએક્સના માધ્યમથી સોદા કરવાનું વધુ પસંદ કરે છે.

એનએસઇ આઇએક્સ ગિફ્ટ નિફ્ટી ફ્યુચર્સના સિંગલ લોટના સોદા માટે 1.5 ડોલરનો ટ્રેડિંગ ચાર્જ વસુલે છે અને જો ટ્રેડર્સ એનએસઇ આઇએક્સ કે એસજીએક્સની રિમોટ મેમ્બરશિપ ધરાવતો હોય તો આ ચાર્જ ઘટીને 40 સેન્ટ થઇ જાય છે. જોકે હકીકત એ છે કે એનએસઇ આઇએક્સની રિમોટ મેમ્બરશિપ મેળવવા કરતા એસજીએક્સની રિમોટ મેમ્બરશિપ મેળવવી સહેલી છે. આના કારણે પણ વિદેશી ટ્રેડર્સ એસજીએક્સના માધ્યમથી સોદા કરવાનું પસંદ કરે છે.

એનએસઇ આઇએક્સના એક ક્લિઅરિંગ મેમ્બરના જણાવ્યા મુજબ કોઇ વિદેશી ટ્રેડર્સ જો કોઇ ઇન્ટરનેશનલ એક્સચેન્જનો મેમ્બર હોય તો જ તે મેમ્બરશિપ ફી ભરીને એનએસઇ આઇએક્સની રિમોટ મેમ્બરશિપ લઇ શકે છે. આનાથી વિપરીત એસજીએક્સની રિમોટ મેમ્બરશીપ મેળવવા માટે આ પ્રકારની શરત રાખવામાં આવી નથી, જેથી વિદેશી ટ્રેડર્સને એસજીએક્સની રિમોટ મેમ્બરશિપ મેળવવી સહેલી પડે છે.

જોકે સુત્રોએ જણાવ્યા મુજબ હજી પણ વોલ્યુમ જોઇએ એટલું વધ્યું ન હોવાથી એનએસઇ આઇએક્સ એક વોલ્યુમ ઇન્સેન્ટિવ સ્કીમ લોંચ કરવા વિચારી રહ્યું છે, જે અંતર્ગત રિબેટ આપવામાં આવશે કે જેથી ટ્રાન્ઝક્શન ચાર્જ એસજીએક્સમાં જે ચાર્જ લાગે છે તેટલો જ થઇ જાય.