2009ના વર્ષથી ભારતમાં વહેલું ચોમાસું બેસવાની શરૂઆત થઇ છે. વહેલું ચોમાસુ બેસે તેના કારણે કાળઝાળ ગરમીથી રાહત થતાં લોકો ખુશ થાય છે.


જોકે આની ભારે કિંમત પણ સામાન્ય નાગરિકોએ ચુકવવી પડે છે, કારણ કે વરસાદ વહેલો થતાં શાકભાજી સહિત અનેક રોજબરોજની જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધી જાય છે અને તેના કારણે ખિસ્સા પરનો બોજો વધી જાય છે. ચાલુ સિઝનમાં ભારતના હવામાન ખાતાએ 106 ટકા વરસાદ પડવાની સાથે વહેલો વરસાદ આવશે અને જુનમાં પણ વરસાદ સામાન્યથી વધારે રહેશે એવી આગાહી કરી છે અને દેશના કેટલાક વિસ્તારોમાં તો ચોમાસું બેસી ગયું હોય એવો માહોલ છે તેના કારણે સામાન્ય જનતાને અત્યારથી જ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ખેડુતોને પણ વાવણી માટે જમીન તૈયાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. વરસાદને કારણે એફએમસીજી કંપનીઓની ગરમીઓમાં વેચાતી પ્રોડક્ટ્સના કારોબાર પર વિપરીત અસર પડે છે અને સાથે સાથે વિવિધ ચીજવસ્તુઓના ભાવ વધતાં ફુગાવાના દરને નિયંત્રણમાં રાખવાના આરબીઆઇના પ્રયત્નો પર પણ અસર થાય છે અને પરિણામે અર્થતંત્રના વૃદ્ધિદર પર વિપરીત અસર થાય છે.

વરસાદ પડતાં જ સૌથી પહેલા તો ડુંગળીના ભાવ વધી જાય છે કારણ કે તેના કારણે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળની સપ્લાય ચેઇન ખોરંભે પડે છે. વરસાદના પ્રારંભ સાથે મહારાષ્ટ્રમાં ડુગળી ઉગાડતા પટ્ટામાં ડુંગળીના પાકને નુકાસન થાય છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના પાંચ ડુંગળી ઉગાડતા જિલ્લા નાસિક, જલગાંવ, અહિલ્યાનગર, ધુલે અને નંદુરબારમાં વરસાદના કારણે 21,500 હેકટરના વિસ્તારમાં ડુંગળીના ઊભા પાકને નુકસાન થયાના અહેવાલ છે, જેની સીધી અસર આગામી દિવસોમાં ડુંગળીના ભાવ પર જોવા મળશે. એટલું જ નહીં વરસાદના કારણે ટામેટાના અને બટાકાના ભાવમાં પણ વધારો થાય છે. થોડા દિવસ પહેલા જ પુણેમાં ટામેટા પાંચ રૂપિયે કિલો વેચાતા હતા, જે ભાવ હાલમાં ચાલી રહેલા વરસાદને કારણે વધીને હવે પ્રતિ કિલો રૂ. 20થી 25 થઇ ગયો છે. એપીએમસીના અધિકારીઓના જણાવ્યા મુજબ ટામેટાની આવકમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે, કારણ કે વરસતા વરસાદમાં ખેડુતોને ટામેટા બજારમાં પહોંચાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક રિસર્ચ સંસ્થાના પાસે ઉપલબ્ધ ડેટા મુજબ તાજેતરના વરસાદના કારણે ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ટામેટાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં જ 10થી 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત મેથી, કોથમીર, પાલક વગેરેના ભાવમાં 12થી 16 ટકાનો વધારો થઇ ગયો છે. નિષ્ણાતોના મત મુજબ વહેલા વરસાદના કારણે શાકભાજીના ભાવમાં આગામી સપ્તાહમાં નોંધપાત્ર વધારો થશે.

વહેલા વરસાદના કારણે ખેડુતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખેડુતોને ખરીફ મોસમ માટે વાવણીની તૈયારી કરવી હોય તો તેના માટે જમીના તૈયાર કરવા 15થી 20 દિવસનો સુકો સમયગાળો જોઇએ છે. જોકે આ વર્ષે વહેલો વરસાદ થઇ જતાં જમીન ભીની હોવાથી તેને વાવણી માટે તૈયાર કરવા ટ્રેક્ટર ચલાવાય એવી સ્થિતિ નથી. આવી જ રીતે વરસાદ ચાલુ થતાંની સાથે જ એફએમસીજી કંપનીઓએ ગરમીમાં વપરાતી પ્રોડક્ટનો જે જથ્થો બજારમાં મુક્યો હોય છે તેનું વેચાણ અત્યંત ધીમું પડી જાય છે જેના કારણે આવી કંપનીઓને નુકસાન સહન કરવાનો વારો આવે છે.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે આરબીઆઇ ફુગાવાને નિયંત્રણમાં રાખવા કમર કસી રહી હતી ત્યારે માંડ માંડ ફુગાવાનો નિયંત્રણમાં આવીને 68 મહિનાની સૌથી નીચી સપાટીએ ગયો છે અને જેના કારણે આરબીઆઇએ ફેબ્રુઆરીથી વ્યાજદરમાં ઘટાડાની શરૂઆત કરી દીધી છે. ફુગાવો નિયંત્રણમાં હોવાથી આરબીઆઇ વ્યાજદરમાં હજી વધુ ઘટાડો કરશે એવી આશા છે. જો આમ થાય તો રોકાણનો પ્રવાહ વધતા મંદ પડેલો અર્થતંત્રનો વૃદ્ધિદર ફરી વેગમાં આવી શકે છે. પરંતુ જો વહેલા વરસાદને કારણે શાકભાજીના ભાવ વધે તો ફુગાવો ફરીથી ઉપર જઇ શકે છે. આથી આરબીઆઇની વ્યાજદરમાં વધુ ઘટાડો કરવાની પ્રક્રિયા ખોરંભે પડી શકે છે, જે અર્થતંત્ર માટે ખૂબ નુકસાનકારક છે.

  • Follow us on: