વીતેલા સપ્તાહમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પાંચ સેશનમાં કુલ રૂ.11,591 કરોડની નેટ વેચવાલી કરી હતી, જેના કારણે મે મહિનામાં એફઆઇઆઇએ કરેલી નેટ લેવાલીનો આંકડો ઘટીને રૂ.12,191 કરોડ થઇ ગયો છે. સપ્તાહ દરમિયાન મંગળવારે એફઆઇઆઇએ રૂ.10,016 કરોડની વેચવાલી કરી હતી, જે તાજેતરના મહિનાઓમાં 28મી ફેબ્રુઆરી, 2025 પછી જોવા મળેલી સૌથી મોટી એકદિવસીય વેચવાલી છે.


આ સિવાય ગુરુવારે પણ એફઆઇઆઇએ રૂ.5,045 કરોડની નેટવેચવાલી કરી હતી. એ સિવાય સોમવારે પણ એફઆઇઆઇ રૂ. 525 કરોડની નેટ વેચવાલ હતી. જ્યારે બુધવારે અને શુક્રવારે એફઆઇઆઇએ અનુક્રમે રૂ.2,201 કરોડની અને રૂ.1,794 કરોડની નેટ લેવાલી કરી હતી. આમ ત્રણ સેશનમાં એફઆઇઆઇએ કરેલી નેટ વેચવાલીનો આંકડો રૂ.15,586 કરોડ થાય છે.

અગાઉ પાછલા સપ્તાહના અંતિમ સેશન પૂરું થયું ત્યારે એફઆઇઆઇ મે મહિનામાં એફઆઇઆઇએ રૂ.23,782 કરોડની નેટ લેવાલી કરી હતી અને તે સમયે એફઆઇઆઇ નેટ ખરીદીમાં ડીઆઇઆઇથી પણ આગળ હતી. એ સમયે ડીઆઇઆઇની નેટ લેવાલીનો આંકડો રૂ.23,298 કરોડ હતો. અગાઉ માર્ચ અને એપ્રિલ મહિનામાં પ્રારંભિક સમયગાળામાં એફઆઇઆઇ નેટ વેચવાલી હતી, પરંતુ છેલ્લા સેશનોમાં ખરીદીના કારણે મહિનાના અંતે એફઆઇઆઇએ માર્ચને અંતે રૂ.2,014 કરોડની અને એપ્રિલને અંતે રૂ. 2,735 કરોડની નેટ લેવાલી નોંધાવી હતી. જોકે મે મહિનામાં આનાથી વિપરીત ચિત્ર ઉપસ્યુ છે અને પહેલા બે સપ્તાહમાં જંગી નેટ ખરીદી કર્યા પછી ત્રીજા સપ્તાહમમાં એફઆઇઆઇએ જંગી નેટ વેચવાલી કરી છે.


  • Follow us on: