ભારતીય શેરબજાર માટે એક સારા સંકેત સમાન ઘટનાક્રમમાં એફઆઇઆઇએ આજે રૂ. 6,065 કરોડની નેટ લેવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ તેનું વલણ બદલીને રૂ. 1,951 કરોડની નેટ વેચવાલી કરી હતી.
આ સાથે એપ્રિલ મહિનામાં એફઆઇઆઇએ કરેલી નેટ વેચવાલીનો આંકડો ઘટીને રૂ. 28,576 કરોડ થાય છે, જ્યારે ડીઆઇઆઇએ કરેલી નેટ લેવાલીનો આંકડો ઘટીને રૂ. 25,637 કરોડ થાય છે. આ અગાઉ છેલ્લે એફઆઇઆઇએ 27 માર્ચના રોજ નેટ લેવાલી કરી હતી. એ દિવસે એફઆઇઆઇની નેટ લેવાલીનો આંકડો રૂ. 11,111 કરોડ હતો. આમ 7 સેશન એટલે કે કુલ 18 દિવસ પછી ફરી એફઆઇઆઇએ નેટ લેવાલી કરી છે. માર્ચમાં 20 તારીખથી 27 તારીખ સુધી એફઆઇઆઇએ સતત 6 સેશનમાં નેટ લેવાલી કરી હતી, જેના પરિણામે માર્ચમાં રૂ. 2014 કરોડની નેટ લેવાલી સાથે એફઆઇઆઇ આ મહિનામાં નેટ બાયર્સ રહી હતી.
નિફ્ટી પરના તમામ 14 સેકટોરલ ઇન્ડેક્સ વધીને બંધ
આજે નિફ્ટી પરના તમામ 14 સેકટોરલ ઇન્ડેક્સ 0.28 ટકાથી 5.64 ટકા સુધી વધીને બંધ રહ્યા હતા. યુએસ ટેરિફ લાદી તે પછી 7 એપ્રિલે શેરબજારમાં થયેલા કડાકાના દિવસે ઇન્ડેક્સમાં મોટો ઘટાડો નોંધાયો હતો તે જ ઇન્ડેક્સમાં આજે નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. યુએસથી સૌથી વધુ પ્રભાવિત થનારા શેરોમાં આઇટી, મેટલ, ફાર્મા અને ઓટોનો સમાવેશ થાય છે ત્યારે આ ક્ષેત્રની ઇન્ડેક્સમાં અનુક્રમે 1.63 ટકાનો, 3.20 ટકાનો, 2.20 ટકાનો અને 3.39 ટકાનો વધારો નોંધાયો હતો. આરબીઆઇએ વ્યાજદરમાં ઘટાડો કર્યો એ સારો સંકેત હોવા છતાં બેકિંગ તથા ફાયનાન્સિયલ શેરોમાં એ દિવસે ટેરિફના દબાણ હેઠળ ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે આજે નિફ્ટી બેંક 2.70 ટકા, પ્રાઇવેટ બેંક 2.82 ટકા, પીએસયુ બેંક 1.57 ટકા અને ફાયનાન્સિયલ સર્વિસીસ 2.95 ટકા વધીને બંધ રહ્યા હતા. રિઆલ્ટી ઇન્ડેક્સમાં આજે સૌથી વધારે 5.64 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે મિડિયા ઇન્ડેક્સ પણ 2.97 ટકા વધીને બંધ રહ્યો હતો.