શુક્રવારે એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાં રૂ. 6,449 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 9,095 કરોડની નેટ લેવાલી કરી હતી.
આ સાથે મે મહિનામાં એફઆઇઆઇ રૂ. 11,733 કરોડની નેટ લેવાલ રહી છે, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 67,641 કરોડની નેટ લેવાલી કરી છે. આ સાથે એફઆઇઆઇ સતત ત્રણ મહિનામાં ભારતીય શેરબજારમાં નેટ લેવાલ રહી છે. મે મહિનામાં એફઆઇઆઇની નેટ લેવાલીનો આંકડો બેન્ચમાર્ક ઇન્ડેકસ સેન્સેક્સ અને નિફ્ટીએ સપ્ટેમ્બર, 2024માં તેમની વિક્રમી ટોચ બનાવી તે મહિના પછીનો એટલે કે છેલ્લા આઠ મહિનાનો સૌથી મોટો નેટ લેવાલીનો આંકડો છે.પાકિસ્તાન સાથે ઊભો થયેલો તણાવ હવે સમી ગયો છે ત્યારે યુએસ સાથે ટ્રેડ ડીલ અંગેની આશા, નબળો પડી રહેલો ડોલર, બ્લોક ડીલમાં થયેલો વધારો, ક્રુડ ઓઇલના ઘટતા ભાવ અને ભારતીય અર્થતંત્રના મજબૂત પાસા વગેરેના કારણે એફપીઆઇ ફરી ભારત તરફ વળી રહી છે એવો મત નિષ્ણાતો ધરાવે છે. અગાઉ ઓક્ટોબર, 2024થી ફેબ્રુઆરી, 2025ના સમયગાળામાં એફપીઆઇએ ભારતીય શેરબજારમાંથી કુલ રૂ. 2.2 લાખ કરોડનું રોકાણ પરત ખેંચ્યું હતું.










