નાણાકીય વર્ષ 2024-25ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ભારતની લાર્જ કેપ કંપનીઓમાં જંગી પ્રમાણમાં વેચવાલી કરી છે.

ત્યારે હકીકત એ છે કે તેમણે ચતુરાઇપૂર્વક બ્લુ ચીપ કંપનીમાં હિસ્સો ઘટાડવાની સાથે જાહેર ક્ષેત્રની કંપનીઓ (પીએસયુ) અને માઇક્રો કેપ કંપનીઓમાં તેમનો હિસ્સો વધાર્યો પણ છે. માઇક્રો કેપ શેરોમાં ખરીદી કરીને નફો કરવા માટે રિટેલ ઇન્વેસ્ટર્સ પહેલેથી જાણીતા છે ત્યારે હવે એફઆઇઆઇએ પણ આ રણનીતિ અપનાવી હોવાના સંકેત કંપનીઓની શેરહોલ્ડિંગની પેટર્ન જાહેર થઇ તેના પરથી મળે છે.

31 માર્ચ, 2025ના રોજૂ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં પોતાની શેરહોલ્ડિંગ પેટર્ન કેવી રહી છે તેની જાહેરાત અત્યાર સુધીમાં 79 લિસ્ટેડ પીએસયુ કંપનીઓએ કરી છે. જેના પરથી મળતી માહિતી મુજબ એફઆઇઆઇએ 52 ટકા કંપનીઓમાં પોતાનો હિસ્સો વધાર્યો છે, જ્યારે 48 ટકામાં ઘટાડયો છે. આવી જ રીતે નિફ્ટી માઇક્રે કેપ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાંથી 186 કંપનીઓએ તેમની શેરહોલ્ડિંગ પેટર્ન અત્યાર સુધીમાં જાહેર કરી છે, જેમાંથી 51 ટકા કંપનીઓમાં એફઆઇઆઇએ તેમનું હોલ્ડિંગ વધાર્યું છે. આની તુલનાએ બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાંથી જેમણે પોતાની પેટર્ન જાહેર કરી છે તેમાંથી 42 ટકા કંપનીઓમાં એફઆઇઆઇએ હોલ્ડિંગ વધાર્યું છે, જ્યારે બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીઓના કિસ્સામાં આ ટકાવારી 43 ટકા છે. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાંથી અત્યાર સુધીમાં 20 કંપનીઓએ તેમની શેરહોલ્ડિંગ પેટર્ન જાહેર કરી છે, જેમાંથી ં એફઆઇઆઇએ હિસ્સો વધાર્યો હોય એવી કંપનીઓની ટકાવારી માત્ર 25 ટકા (સંખ્યાની દ્રષ્ટિએ માત્ર પાંચ જ કંપની) અને નિફ્ટી 100 ઇન્ડેક્સના કિસ્સામાં 27 ટકા છે. નિફ્ટી 100ની કુલ 100 કંપની પૈકી 73 કંપનીઓએ અત્યાર સુધીમાં તેમની પેટર્ન જાહેર કરી છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ તાજેતરમાં બજારમાં જે કરેક્શન જોવા મળ્યું છે તે દરમિયાન પીએસયુ અને માઇક્રેટેક કંપનીઓના શેરોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે આવા શેરોના મૂલ્ય આકર્ષક બન્યા છે. આના કારણે એફઆઇઆઇએ આવી કંપનીઓમાં તેમનું હોલ્ડિંગ વધાર્યું હોય એ શક્ય છે. ભૂતકાળમાં પણ આવી રીતે જ્યારે કોઇ શેરનું મૂલ્ય નીચે જઇને આકર્ષક બન્યું હોય ત્યારે આવી કંપનીઓમાં વિદેશી ફંડોએ તેમનું હોલ્ડિંગ વધાર્યું હોય એવા અનેક દાખલા જોવા મળ્યા છે.