યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 27 ટકા જ રેસિપ્રોકલ ટેરિફ લાદી છે, જ્યારે એશિયામાં આવેલા ભારતના સમકક્ષ દેશો પર આનાથી વધારે ટેરિફ લાદવામાં આવી છે.
તેના કારણે ભારતમાં વિદેશી રોકાણનો પ્રવાહ ખાસ કરીને ઇક્વિટીમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ)ના રોકાણનો પ્રવાહ વધે એવી શક્યતા વધી જાય છે, એમ નિષ્ણાતો જણાવે છે. એશિયામાં આવેલા ભારતના મુખ્ય પ્રતિસ્પર્ધી દેશોમાં ચીન, વિયેટનામ, થાઇલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ભારત પર 27 ટકા ટેરિફની તુલનાએ યુએસએ ચીન પર 34 ટકા, વિયેટનામ પર 46 ટકા, બાંગ્લાદેશ પર 37 ટકા અને થાઇલેન્ડ પર 36 ટકા ડયૂટી લાદી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારત પરની ડયૂટી અન્ય એશિયન દેશોથી ઓછી હોવાથી સ્થાનિક ઉત્પાદક કંપનીઓને નિકાસમાં સ્પર્ધાત્મક ભાવ ઓફર કરવાની સ્થિતિમાં છે. આથી સ્પર્ધાત્મકતા વધતાં તેમની નિકાસની સાથે સાથે નફાકારકતા પણ વધે એ સ્વભાવિક છે. આના કારણે આવી કંપનીઓ વિદેશી રોકાણ આકર્ષી શકે છે અને પરિણામે ભારતના નિકાસ કરતાં મુખ્ય ક્ષેત્રો જેવા કે ઓટો, ટેક્સટાઇલ અને મિનરલ્સ વગેરેમાં કાર્યરત કંપનીઓની ઇક્વિટીમાં એફપીઆઇ વધુ રોકાણ કરી શકે છે. ટેક્સાઇટલ ક્ષેત્રે ભારત સાથે સ્પર્ધા કરવામાં બાંગ્લાદેશ મોખરે છે. ભારતના આ પાડોશી દેશમાં છેલ્લા કેટલાંક સમયથી અસ્થિરતા ઊભી થઇ હોવાથી વિદેશી બજારના ગ્રાહકો ભારત તરફ વળ્યા છે, ત્યારે હવે ભારત પર 27 ટકાની તુલનાએ આ દેશ પર યુએસ દ્રારા 37 ટકા ડયૂટી લાદવામાં આવતા બાંગ્લાદેશને યુએસમાં ટેક્સટાઇલ્સની નિકાસ ભારતની તુલનાએ ઘણી મોંઘી પડી શકે છે.
