ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ)એ એપ્રિલ મહિનામાં 11મી એપ્રિલ સુધીમાં ભારતીય ઇક્વિટી બજારમાંથી કુલ રૂ. 31,575 કરોડનું રોકાણ પરત ખેંચી લીધું છે. બીજી એપ્રિલે યુએસ દ્રારા ભારત સહિત દુનિયાના 60 દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવી અને તે પછી ચીન અને યુએસ વચ્ચે ટેરિફ વોર શરૂ થયું તેને પગલે ઊભી થયેલી અનિશ્ચિતતાઓ અને વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલા મોટા કડાકાને પગલે એફપીઆઇએ આ રોકાણ પરત ખેંચ્યું છે.
અગાઉ માર્ચની 21 તારીખથી 28 તારીખ સુધીમાં એફપીઆઇએ ભારતીય શેરબજારમાં રૂ. 30,927 કરોડનું નેટ રોકાણ કર્યું હતું, તે પછી એપ્રિલમાં આટલી જંગી વેચવાલી કરવામાં આવી છે. માર્ચના છેલ્લા દિવસો કરેલી આ ખરીદીને પગલે માર્ચ મહિનામાં એફપીઆઇનો નેટ આઉટફ્લો ઘટીને રૂ. 3,973 કરોડ જ નોંધાયો હતો. માર્ચના અગાઉના મહિનાઓની સાથે તુલના કરીએ તો એફપીઆઇના વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો, પરંતુ એપ્રિલમાં ફરીથી એફપીઆઇએ વેચવાલીનું વલણ અપનાવ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં એફપીઆઇએ ભારતીય શેરબજારમાં રૂ. 34,574 કરોડનો અને જાન્યુઆરીમાં રૂ. 78,027 કરોડનો નેટ આઉટફ્લો નોંધાવ્યો હતો. આ બાબત આ બન્ને મહિનાઓમાં દરમિયાન રોકાણકારોના સેન્ટિમેન્ટમાં જોવા મળેલી આવી વૃત્તિ બજારમાં વોલેટાલિટી અને વૈશ્વિક આર્થિક બજારોમાં કેવી સ્થિતિ રહી હતી તેનો સંકેત આપે છે.
